અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 24 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો પ્રારંભ, નવ દિવસ સુધી પુસ્તકો, ગઝલ-સંગીતની જામશે મહેફિલ

Ahmedabad International Book Festival 2026: શહેરના સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકરસિકો માટે આનંદના સમાચાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આગામી 24 ઓક્ટોબરથી ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ પુસ્તક મહોત્સવમાં દેશ-વિદેશના સાહિત્ય, ગુજરાતી ભાષાની રચનાઓ અને વિવિધ વિષયોના પુસ્તકોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલમાં જાણીતા કવિઓ, સાહિત્યકારો, ગઝલકારો અને સંગીતકારો ભાગ લેશે. મુલાકાતીઓ માટે દરરોજ સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાહેર કાર્યક્રમ યાદીમાં જણાવાયું છે.

નિરંજન ભગતની 100મી જન્મજયંતી નિમિત્તે કવિ સંમેલન

મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 24 ઓક્ટોબરે જાણીતા ગુજરાતી કવિ, વિવેચક અને અનુવાદક નિરંજન ભગતની 100મી જન્મજયંતી નિમિત્તે વિશેષ કવિ સંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં કૃષ્ણ દવે, માધવ રામાનુજ, તુષાર શુક્લ, સંજુ વાળા અને વિનોદ જોશી સહિતના જાણીતા કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે. ગુજરાતી સાહિત્યમાં નિરંજન ભગતના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

ગૌરાંગ વ્યાસને સંગીતમય અંજલિ, લોકનાટ્યની પણ મજા

25 ઓક્ટોબરે રિવરફ્રન્ટ રિટ્રીટ કાર્યક્રમમાં પુસ્તકો, વિચારો અને અમદાવાદની આગવી ઓળખ અંગે સાહિત્યકારો વચ્ચે સંવાદ યોજાશે. જ્યારે 26 ઓક્ટોબરે દિવંગત સંગીતકાર ગૌરાંગ વ્યાસની યાદમાં ‘શબ્દ સિમ્ફની’ કાર્યક્રમ યોજાશે. 27 ઓક્ટોબરે ગુજરાતી લોકનાટ્ય ‘જીથરો ભાભો’ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત 28 ઓક્ટોબરે જાણીતા ગાયક ઓસમાણ મીર અને આમિર મીર ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમ દ્વારા ભક્તિસંગીતની વિશેષ રજૂઆત કરશે. 29 ઓક્ટોબરે ‘હાસ્યરંગ’ કાર્યક્રમમાં ગુજરાતી હાસ્ય અને વ્યંગ્યની રમઝટ જામશે.

31 ઓક્ટોબરે ગઝલકારોની મહેફિલ જામશે

30 ઓક્ટોબરે સાહિત્ય મને ગમે છે વિષય પર ખાસ ચર્ચાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સાહિત્યનું માનવજીવનમાં મહત્ત્વ અને વાંચનની સંસ્કૃતિ અંગે વિચારો રજૂ કરવામાં આવશે. 31 ઓક્ટોબરે ગુજરાતી ગઝલપ્રેમીઓ માટે વિશેષ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેન્દ્ર શુક્લ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સહિતના જાણીતા ગઝલકારો પોતાની રચનાઓ રજૂ કરશે. મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 1 નવેમ્બરે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિનાં ગીતોની રજૂઆત સાથે ફેસ્ટિવલનું સમાપન થશે.

બાળકો માટે ખાસ પ્રવૃત્તિઓ અને લેખન વર્કશોપ

પુસ્તક મહોત્સવમાં બાળકો અને યુવા લેખકો માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ડોમ-2 ખાતે દરરોજ બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી લેખન કાર્યશાળા યોજાશે. અહીં લેખનમાં રસ ધરાવતા લોકોને સર્જનાત્મક લેખન અને લેખન કૌશલ્ય વિકસાવવાની તક મળશે. ડોમ-1માં આવેલા ચિલ્ડ્રન્સ પેવેલિયનમાં દરરોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી બાળકો માટે વાંચન અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત દરરોજ બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી ‘ઓથર્સ કોર્નર’માં લેખકો સાથે સીધો સંવાદ કરવાની તક પણ મળશે.

જાણો નવ દિવસના કાર્યક્રમોનું શેડ્યૂલ
તારીખ મુખ્ય કાર્યક્રમ
24 ઓક્ટોબર નિરંજન ભગત જન્મશતાબ્દી કવિ સંમેલન
25 ઓક્ટોબર રિવરફ્રન્ટ રિટ્રીટ
26 ઓક્ટોબર શબ્દ સિમ્ફની – ગૌરાંગ વ્યાસને અંજલિ
27 ઓક્ટોબર જીથરો ભાભો – ગુજરાતી લોકનાટ્ય
28 ઓક્ટોબર ભજન ક્લબિંગ
29 ઓક્ટોબર હાસ્યરંગ
30 ઓક્ટોબર સાહિત્ય મને ગમે છે
31 ઓક્ટોબર ગઝલ અનપ્લગ્ડ
1 નવેમ્બર ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

મુખ્ય મંચના મોટાભાગના કાર્યક્રમો સાંજે 7:30થી રાત્રે 10 વાગ્યા દરમિયાન યોજાશે. 25 ઓક્ટોબરનો રિવરફ્રન્ટ રિટ્રીટ કાર્યક્રમ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

પુસ્તકપ્રેમીઓ માટે મહોત્સવની મહત્ત્વપૂર્ણ વિગતો
  • તારીખ: 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026
  • સ્થળ: સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર, પાલડી, અમદાવાદ
  • જાહેર કાર્યક્રમ સમય: સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી
  • વિશેષ આકર્ષણ: પુસ્તકો, કવિ સંમેલન, ગઝલ, હાસ્ય, સંગીત અને વર્કશોપ
આ પણ વાંચોઃ શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ દિવસની ટોચથી 1,400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ધોવાણ
Back to top button