ગુજરાતટોપ ન્યૂઝ

જજ પોક્સો કેસનો ચુકાદો વાંચી રહ્યા હતા, ત્યાં જ બે દોષિત આરોપીઓ કોર્ટમાંથી ગાયબ

Ahmedabad Court News: અમદાવાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોક્સો એક્ટ હેઠળના કેસમાં દોષિત જાહેર કરાયેલા બે આરોપીઓ સજા જાહેર થાય તે પહેલાં જ કોર્ટ પરિસરમાંથી પોલીસ અને કોર્ટ સ્ટાફને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ કોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ બંને આરોપીઓની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.

ફરિયાદ મુજબ, સાણંદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા પોક્સો એક્ટના ગુનામાં આરોપી સાહીલ મકવાણા અને સુલ્તાન ઉર્ફે મનોજકુમાર હારૂન સામે કેસ ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ બુધવારે બંને આરોપીઓને ચુકાદા માટે અમદાવાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ત્યારબાદ સજા અંગેનો ચુકાદો વાંચી સંભળાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન બંને આરોપીઓએ કોર્ટને જણાવ્યું કે તેઓ પોતાના વકીલને બોલાવીને આવે છે. કોર્ટની કાર્યવાહી વચ્ચે જ તેમણે આ બહાનું બનાવી કોર્ટરૂમની બહાર નીકળી ગયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આરોપીઓ બહાર નીકળ્યા બાદ તેઓ કોર્ટ સ્ટાફ, હાજર પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી કોર્ટ પરિસરમાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે આરોપીઓ પરત ન ફરતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેઓ ફરાર થઈ ચૂક્યા હતા. ઘટનાની જાણ થતાં કોર્ટ તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

આ સમગ્ર ઘટનાને લઈને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રાર સંધ્યાબેન નિમજે, જેઓ મણિનગરના દલાલ કોલોની વિસ્તારમાં રહે છે, તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કસ્ટડીમાંથી ફરાર થવા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા માટે શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે તેમજ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આરોપીઓના પરિચિતો અને સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા અને આરોપીઓને કસ્ટડીમાં રાખવાની પ્રક્રિયા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. દોષિત જાહેર થયા બાદ પણ આરોપીઓ કેવી રીતે કોર્ટ પરિસરમાંથી બહાર નીકળી શક્યા અને સુરક્ષા કર્મચારીઓ તેમની પર પૂરતી નજર કેમ રાખી શક્યા નહીં તે મુદ્દે પણ તપાસ થવાની શક્યતા છે.

પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓને ઝડપી લેવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: મંજૂરી વગર B.Sc. નર્સિંગ કોર્સ ચલાવ્યાનો આક્ષેપ, ગાયત્રી નર્સિંગ કોલેજ વિવાદમાં

Back to top button