અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દિવાળીના દિવસોમાં ઈમર્જન્સી કેસ બમણા થવાની ભીતિ, ડોક્ટરોની ચેતવણી

Ahmedabad Diwali Pollution: દિવાળીના તહેવાર દરમિયાન અને ત્યારબાદ અમદાવાદમાં તબીબી ઈમર્જન્સીના કેસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તેવી ચેતવણી તબીબોએ આપી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વધતા હવાના પ્રદૂષણ અને દિવાળીના ફટાકડાના ધુમાડાને કારણે ખાસ કરીને શ્વાસ સંબંધિત બીમારીઓના દર્દીઓ માટે જોખમ વધી શકે છે. નિષ્ણાતોના મતે દિવાળી બાદ પણ મહિનાના અંત સુધી પ્રદૂષણની અસર યથાવત્ રહી શકે છે. વૃદ્ધો, બાળકો અને પહેલેથી જ શ્વાસ, હૃદય અથવા અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે.

છેલ્લા ત્રણ દિવસથી AQI ચિંતાજનક સ્તરે

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) અસ્વસ્થથી લઈને ગંભીર શ્રેણી વચ્ચે નોંધાઈ રહ્યો છે. મંગળવારે શહેરનો મહત્તમ AQI 215 રહ્યો હતો, જ્યારે બુધવારે 198 અને ગુરુવારે સાંજે 156 નોંધાયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ તહેવારો દરમિયાન ફટાકડાના ધુમાડાને કારણે આ સ્તરમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

શ્વાસના દર્દીઓ માટે દિવાળી જોખમી

શેલ્બી હોસ્પિટલ્સના ઈન્ટેન્સિવિસ્ટ અને ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના ક્લસ્ટર હેડ ડો. શાંતિભૂષણ પ્રસાદના જણાવ્યા મુજબ શહેરની હોસ્પિટલોમાં ઈમર્જન્સી કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શ્વાસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓની સ્થિતિ પ્રદૂષણના કારણે વધુ બગડી શકે છે. તેમણે જણાવ્યું કે હવામાં વધતી શુષ્કતા અને પ્રદૂષણનું ઊંચું પ્રમાણ શ્વાસનળીઓમાં સોજો અને બળતરા પેદા કરે છે. ઉપરાંત તણાવના કારણે શરીરમાં વાઈરલ સક્રિયતા પણ વધી શકે છે, જેના કારણે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો વધુ અસરગ્રસ્ત બની શકે છે.

અસ્થમા, ફ્લૂ અને શ્વાસની તકલીફ વધવાની આશંકા

નિષ્ણાતોના કહેવા મુજબ ફટાકડાનો ધુમાડો અસ્થમા, બ્રોન્કાઇટિસ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારીઓને ગંભીર બનાવી શકે છે. શિયાળાની શરૂઆત અને હવામાં રહેલા પ્રદૂષક તત્ત્વોના કારણે નવા શ્વાસના દર્દીઓ પણ વધતા જોવા મળી રહ્યા છે. ચેપી રોગોના નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા સમય સુધી રહેતા ફ્લૂના કેસો પણ ચિંતાજનક છે. દવા લીધા બાદ પણ ફ્લૂમાંથી સંપૂર્ણ સાજા થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે. દિવાળી દરમિયાન આવી સ્થિતિ શ્વાસ સંબંધિત ગૂંચવણો વધારી શકે છે.

ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાંના કેન્સરનું જોખમ

કેડી હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર નિષ્ણાત ડો. હરજિત દૂમરાના જણાવ્યા અનુસાર હવાના પ્રદૂષણના લાંબા ગાળાની અસરોને હવે અવગણવી શક્ય નથી. ખાસ કરીને PM 2.5 જેવા સૂક્ષ્મ રજકણો લાંબા સમય સુધી શરીરમાં જતાં રહે તો ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે જણાવ્યું કે ફેફસાંનું કેન્સર હવે માત્ર ધૂમ્રપાન કરનારાઓ પૂરતું મર્યાદિત રહ્યું નથી. મહિલાઓ અને ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ આવા કેસો વધતા જોવા મળી રહ્યા છે. ભારતમાં દર વર્ષે અંદાજે 80 હજારથી 1 લાખ નવા ફેફસાંના કેન્સરના કેસ નોંધાય છે.

વાહનોનો ધુમાડો અને ઔદ્યોગિક પ્રદૂષણ પણ જવાબદાર

નિષ્ણાતોના મતે વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામની ધૂળ અને ઘરમાં વપરાતા બાયોમાસના ધુમાડાનો સંયુક્ત પ્રભાવ આરોગ્ય માટે જોખમી છે. લાંબા ગાળે પ્રદૂષિત હવાનો સંપર્ક ફેફસાંની બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તહેવારો દરમિયાન આ સાવચેતી રાખો
  • બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ ફટાકડાના ધુમાડાથી દૂર રહેવું
  • પ્રદૂષણ વધુ હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું
  • અસ્થમા કે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓએ દવાઓ નિયમિત લેવી
  • શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો કે સતત ઉધરસ થાય તો તરત ડોક્ટરની સલાહ લેવી
આ પણ વાંચોઃ ભારતમાં ફટાકડાનું ઉત્પાદન વધુ, છતાં નિકાસમાં પાછળ! વૈશ્વિક વેપારમાં ચીનનું પ્રભૂત્વ
Back to top button