ગુજરાતનાં શહેરોમાં ઝેરી હવાનો કહેર! દિવાળીની રાત્રે અમદાવાદનો સરેરાશ AQI 500 જ્યારે રોજકોટમાં 922એ પહોંચી ગયો

ગુજરાતનાં મોટા શહેરોમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે કથળી રહી છે. એક તરફ વાહનોનો વધતો ધુમાડો, બાંધકામ સાઇટો પરથી ઊડતી ધૂળ અને રસ્તાઓ પરનું પ્રદૂષણ નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી રહ્યાં છે, તો બીજી તરફ દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના ધુમાડાએ સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી હતી. અમદાવાદ અને રાજકોટમાં દિવાળીની રાત્રે વાયુ પ્રદૂષણ એટલું વધી ગયું હતું કે જાણે શહેરો ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 922 સુધી પહોંચી જતાં પ્રદૂષણની ગંભીરતા સામે આવી હતી.
રાજકોટમાં AQI 922, અમદાવાદમાં 735 સુધી પહોંચ્યો આંકડો
દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજીને કારણે અમદાવાદની હવામાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું હતું. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર કરી ગયો હતો. મોડી રાત્રે 1 વાગ્યે AQI 529 નોંધાયો હતો. જ્યારે સોલા વિસ્તારમાં તો AQI 735ના અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો હતો.
આ ઉપરાંત થલતેજમાં 456, સાઉથ બોપલમાં 334 અને પ્રહલાદનગરમાં 302 AQI નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે દિવાળીની રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ બની ગઈ હતી.
બીજી તરફ રાજકોટમાં પણ સ્થિતિ વધુ ચિંતાજનક રહી હતી. દિવાળીની રાત્રે 12 વાગ્યા બાદ શહેરનો AQI 922 સુધી પહોંચી ગયો હતો. જંક્શન પ્લોટ વિસ્તારમાં સૌથી વધુ 797 AQI નોંધાયો હતો. ફટાકડાના ધુમાડા અને અન્ય પ્રદૂષણના સ્ત્રોતોએ મળીને શહેરની હવાને ગંભીર રીતે પ્રદૂષિત કરી હતી.
કરોડોના ખર્ચે ઊભા કરાયેલા SAFAR ડિસ્પ્લે વર્ષોથી બંધ
અમદાવાદમાં હવાની ગુણવત્તા અંગે નાગરિકોને માહિતી મળી રહે તે હેતુથી વર્ષ 2017માં SAFAR (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ) પ્રોજેક્ટ હેઠળ વિવિધ સ્થળોએ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં.
આ પ્રોજેક્ટ અંતર્ગત એક ડિસ્પ્લે પાછળ અંદાજે રૂ.10થી 12 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. શહેરના આઠ સ્થળોએ ડિસ્પ્લે લગાવવા માટે કુલ રૂ.80થી 96 લાખ જેટલો ખર્ચ થયો હતો. બોપલ, સેટેલાઇટ, એરપોર્ટ, પીરાણા, રખિયાલ, ચાંદખેડા, રાયખડ અને ગિફ્ટ સિટી ખાતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2021થી આ તમામ ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં પડ્યા છે. જે વ્યવસ્થા નાગરિકોને હવાની ગુણવત્તા અંગે જાગૃત કરવા માટે ઊભી કરવામાં આવી હતી, તે જ આજે નિષ્ક્રિય બની ગઈ છે. પરિણામે નાગરિકોને પોતાના વિસ્તારની હવાની સ્થિતિ જાણવા માટે મુશ્કેલી પડી રહી છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી
શહેરમાં પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ પુણેની સિસ્ટમ દ્વારા 8 નવેમ્બરના સવારે 9 વાગ્યે નોંધાયેલા આંકડાઓ પરથી મેળવી શકાય છે.
આ આંકડા મુજબ અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ 282 AQI નોંધાયો હતો. જ્યારે રાયખડમાં 241, રખિયાલમાં 233 અને ચાંદખેડામાં 225 AQI નોંધાયો હતો. આ ચારેય વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં રહી હતી.
બીજી તરફ મણિનગરમાં 174 અને સેટેલાઇટમાં 140 AQI નોંધાતાં હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં રહી હતી. ગ્યાસપુરમાં 108 AQI નોંધાયો હતો, જ્યારે બોપલમાં સૌથી ઓછો 85 AQI નોંધાતાં ત્યાં હવાની ગુણવત્તા સંતોષકારક શ્રેણીમાં રહી હતી.
પ્રદૂષિત હવા બની રહી છે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમ
શહેરોમાં વધતું વાયુ પ્રદૂષણ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી, પરંતુ જાહેર આરોગ્ય માટે પણ ગંભીર પડકાર છે. હવામાં રહેલા ધૂળના રજકણો અને ઝેરી તત્ત્વોના સતત સંપર્કમાં રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, આંખોમાં બળતરા અને શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધિત તકલીફ ધરાવતા લોકો માટે પ્રદૂષિત હવા વધુ જોખમી સાબિત થઈ શકે છે.
દિવાળીના એક દિવસ પૂરતું જ નહીં, પરંતુ વર્ષભર શહેરોની હવાની ગુણવત્તા સુધારવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. બાંધકામ સાઇટો પર ધૂળ નિયંત્રણ, રસ્તાઓની નિયમિત સફાઈ, વાહનોના પ્રદૂષણ પર નિયંત્રણ અને એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમને કાર્યરત રાખવી અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો: ઇજિપ્તમાં ભીષણ ટ્રેન અકસ્માત: કૈરો પાસે બે ટ્રેનો વચ્ચે ટક્કર થતાં 4 લોકોના મોત અને 88 ઘાયલ












