₹10 લાખનું વીજળી બિલ બાકી, અમદાવાદનું પ્રહ્લાદનગર ફાયર સ્ટેશન દોઢ મહિનાથી અંધારામાં!

Ahmedabad Fire Station: અમદાવાદના પ્રહ્લાદનગર ફાયર સ્ટેશનમાં આશરે ₹10 લાખનું વીજળી બિલ બાકી રહેતાં છેલ્લા દોઢ મહિનાથી વીજ પુરવઠો બંધ હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. વીજળી વિના આશરે 45 કર્મચારીઓને રોજિંદી કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં કરોડો રૂપિયાનાં ફાયર ટેન્ડર અને ફાયરનાં ઈમર્જન્સી સાધનોની દેખરેખ તથા સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે.
છ મહિનાથી બિલ બાકી, વીજ કંપનીએ કનેક્શન કાપ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રહ્લાદનગર ફાયર સ્ટેશનનું વીજળી બિલ લગભગ છ મહિનાથી બાકી હતું. બાકી રકમ આશરે ₹10 લાખ સુધી પહોંચતાં વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. પરિણામે છેલ્લા દોઢ મહિનાથી ફાયર સ્ટેશનમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. દિવાળી જેવા તહેવારો દરમિયાન ફાયર વિભાગને વધુ સતર્ક રહેવું પડતું હોય છે અને ઈમર્જન્સી કોલમાં પણ વધારો થઈ શકે છે. તેમ છતાં સ્ટેશનમાં વીજળી ન હોવાથી કર્મચારીઓને પાયાની સુવિધા વિના કામગીરી કરવી પડી રહી છે.
45 કર્મચારીઓની કામગીરી પર અસર
પ્રહ્લાદનગર ફાયર સ્ટેશનમાં આશરે 45 કર્મચારીઓ ફરજ બજાવે છે. વીજળીના અભાવે તેમની રોજિંદી કામગીરી મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને રાતના સમયે અંધારામાં ફાયર ટેન્ડર અને અન્ય સાધનોની દેખરેખ રાખવી પડકારરૂપ બની છે. કર્મચારીઓમાં એવી આશંકા પણ છે કે અંધારામાં ઊભેલાં વાહનો કે સાધનોની ચોરી થાય અથવા કોઈ નુકસાન પહોંચે તો તેની જવાબદારી તેમના પર આવી શકે છે.
ભૂતપૂર્વ સ્ટેશન ઓફિસર સાથે જોડાયેલો વિવાદ?
સૂત્રોના જણાવ્યા અનુસાર વીજળીનું બિલ બાકી રહેવા પાછળ ભૂતપૂર્વ સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી સાથે જોડાયેલો વિવાદ હોવાનું કહેવાય છે. મેહુલ ગઢવીને સરકારી ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કથિત રીતે હજુ સુધી આ રહેણાક ખાલી કર્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ક્વાર્ટર્સનું બાકી ભાડું અને વીજળી બિલનો બોજ પણ આ વિવાદને કારણે વધ્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને બાકી વીજળી બિલ પણ ભરવામાં આવ્યું નથી.
સરકારી ક્વાર્ટર્સનો કબજો પરત મેળવવામાં વિલંબ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ અન્ય કેટલાક કિસ્સાઓમાં ભૂતપૂર્વ અથવા બરતરફ કર્મચારીઓ દ્વારા સરકારી મિલકતો પર કરવામાં આવેલા કથિત ગેરકાયદે કબજા સામે નોટિસ આપી કાર્યવાહી કરી છે. જોકે પ્રહ્લાદનગર ફાયર સ્ટેશન સાથે જોડાયેલા આ કિસ્સામાં વિવાદિત સરકારી ક્વાર્ટર્સનો કબજો હજુ સુધી પરત મેળવવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વહીવટી વિવાદની સજા ફાયર સ્ટેશનને કેમ?
મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી બાકી વીજળી બિલ અને મકાનભાડાની વસૂલાત કરવાની તેમજ સરકારી ક્વાર્ટર્સનો કબજો પરત મેળવવાની છે, પરંતુ આ વહીવટી વિવાદનો ઉકેલ ન આવતાં કટોકટીની સેવાઓ આપતા ફાયર સ્ટેશનમાં વીજળીનો અભાવ યથાવત્ છે. હવે સવાલ એ છે કે આશરે ₹10 લાખના બાકી બિલ અને સરકારી ક્વાર્ટર્સના વિવાદને કારણે 45 કર્મચારીઓ તેમજ કરોડો રૂપિયાનાં ફાયર ટેન્ડર અને ઈમર્જન્સી સાધનોને અંધારામાં રાખવાની સ્થિતિ ક્યારે દૂર થશે?












