માંડ માંડ બચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, જે પ્લેનમાં બેઠા હતા, તેની સાથે ડ્રોન અથડાતા રહી ગયું
ઓસ્લો: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી એક મોટા ખતરામાંથી બચી ગયા હોવાનો દાવો નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે કર્યો છે. નોર્વેના PMના જણાવ્યા અનુસાર, ઝેલેન્સ્કીને લઈને જઈ રહેલું વિમાન મોલ્ડોવાથી ઉડાન ભર્યા બાદ એક અજાણ્યા ડ્રોનની અડફેટે આવતા-આવતા બચી ગયું હતું. આ ઘટનાને પગલે ઝેલેન્સ્કીની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
નોર્વેના PMએ ઘટનાને ગણાવી ગંભીર
નોર્વેના પબ્લિક બ્રોડકાસ્ટર NRK સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે ઘટનાની પુષ્ટિ કરતા ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઝેલેન્સ્કી જ્યારે મોલ્ડોવાથી ઉડાન ભરી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન એક ડ્રોનની ખૂબ નજીક આવી ગયું હતું.
સ્ટોરે વધુમાં જણાવ્યું હતું કે ઝેલેન્સ્કીની વિદેશ યાત્રાઓ દરમિયાન તેમને સતત આવા સુરક્ષા જોખમોનો સામનો કરવો પડે છે.
શાહી અંતિમ સંસ્કારમાં સામેલ થવા ઓસ્લો પહોંચ્યા
ઝેલેન્સ્કી મોલ્ડોવાથી નોર્વે પહોંચ્યા બાદ વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરને મળ્યા હતા. ત્યારબાદ તેઓ મંગળવારે સાંજે ઓસ્લો પહોંચ્યા હતા, જ્યાં તેઓ શાહી અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં વિશ્વના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ સાથે સામેલ થયા હતા.
જોકે, યુક્રેનના અધિકારીઓ તરફથી આ સમગ્ર ડ્રોન ઘટનાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ડ્રોનના ખતરાને કારણે ફ્લાઇટમાં વિલંબ
નોર્વેના વડાપ્રધાન કાર્યાલયની સ્ટેટ સેક્રેટરી ભાનુજા રસિયાહે પણ એર સ્પેસમાં રહેલા ડ્રોનના ખતરા અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, મોલ્ડોવાના હવાઈ ક્ષેત્રમાં ડ્રોનના ખતરાને કારણે ઝેલેન્સ્કીના ઓસ્લો જતાં વિમાનના શેડ્યૂલ પર અસર પડી હતી અને ફ્લાઇટમાં વિલંબ થયો હતો. તેમણે જોકે સ્પષ્ટ કર્યું હતું કે ડ્રોન ઝેલેન્સ્કીના વિમાનથી ખરેખર કેટલા અંતરે હતું તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નોર્વેના નાણામંત્રીએ પણ કર્યો દાવો
નોર્વેના નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે પણ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઝેલેન્સ્કીએ તેમની મુલાકાત દરમિયાન ફ્લાઇટમાં થયેલા વિલંબ અને જોખમ અંગે તેમને માહિતી આપી હતી.
આ સમગ્ર ઘટનાએ યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિની વિદેશ યાત્રા દરમિયાન રહેતા સુરક્ષા જોખમો અંગે ફરી સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: બાંધકામ સાઈટ પર સ્લેબ ધરાશાયી થતાં 15 જેટલા મજૂરો દટાયા












