G7 સમિટમાં ટ્રમ્પે ઝેલેન્સ્કીને કર્યા ઇગ્નોર? મોદી સાથે કરી મુલાકાત

Trump ignores Zelensky: ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાઈ રહેલી G7 શિખર બેઠક દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય દેશોના નેતાઓ સાથે ઉષ્માભર્યું અભિવાદન કરતા અને હાથ મિલાવતા જોવા મળે છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી પાસે પહોંચતા તેઓ હાથ મિલાવ્યા વિના જ બીજી તરફ વળી જતા દેખાય છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.
વાયરલ વીડિયોમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે કોઈ પ્રકારની વાતચીત પણ જોવા મળતી નથી. જોકે, વીડિયોની સત્યતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. તેમ છતાં, સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાનો વિષય રહ્યા છે. અગાઉ વ્હાઇટ હાઉસમાં યોજાયેલી એક બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તે ઘટનાની અસર હજુ પણ બંને નેતાઓના સંબંધોમાં જોવા મળી રહી હોઈ શકે છે.
બીજી તરફ, G7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. બંને નેતાઓએ આશરે પાંચ મિનિટ સુધી ચર્ચા કરી હતી અને G7 આઉટરીચ સેશન દરમિયાન એકસાથે બેઠેલા પણ જોવા મળ્યા હતા. લગભગ 16 મહિનાના અંતરાલ બાદ બંને નેતાઓની આ મુલાકાત ખાસ મહત્વની માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ ચર્ચા કરી હતી. સમિટ દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થા, સુરક્ષા, યુક્રેન સંકટ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.
શું છે G7 સમિટ?
G7 એ વિશ્વના સાત અગ્રણી ઔદ્યોગિક અને વિકસિત દેશોનો સમૂહ છે, જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને બ્રિટનનો સમાવેશ થાય છે. આ વર્ષે ફ્રાન્સના એવિયન શહેરમાં 15 થી 17 જૂન દરમિયાન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ ઉપરાંત અનેક આમંત્રિત દેશોના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. ભારત પણ આમંત્રિત ભાગીદાર દેશ તરીકે સમિટમાં હાજરી આપી રહ્યું છે.
G7 સમિટ દરમિયાન ટ્રમ્પ અને ઝેલેન્સ્કી સાથે જોડાયેલા આ વાયરલ વીડિયોએ વૈશ્વિક રાજનીતિમાં નવા સવાલો ઉભા કર્યા છે. હવે આ ઘટનાને લઈને બંને દેશો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : Horoscope 17th June: આ લોકો માટે આજે મહત્ત્વનો નિર્ણય લેવાનો દિવસ, જુઓ આજનું રાશિ ભવિષ્ય












