ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જથ્થાબંધ ફુગાવો વધ્યો, શાકભાજી, કઠોળ સહિત ખાદ્ય ચીજોના ભાવો પર અસર

  • આ વધારો મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં નોંધવામાં આવ્યો

દિલ્હી, 14 જૂન: છૂટક મોંઘવારી દર જોઈને સામાન્ય માણસ અને સરકારે રાહત અનુભવી છે, ત્યારે જથ્થાબંધ મોંઘવારીએ મોટો આંચકો આપ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો સૂચકાંક (WPI) એક મહિનામાં બમણો થઈ ગયો છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે મે મહિનામાં સતત ત્રીજા મહિને જથ્થાબંધ ફુગાવો વધીને 2.61 ટકા થયો છે. એપ્રિલમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો 1.26 ટકા હતો, જ્યારે મે 2023માં તે માઇનસ 3.61 ટકા હતો.

કયા ઉત્પાદનોના ખર્ચમાં થયો વધારો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મે 2024માં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેની કિંમતોમાં વધારો થયો છે. ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો મે મહિનામાં 9.82 ટકા વધ્યો હતો, જ્યારે એપ્રિલમાં તે 7.74 ટકા હતો.

શાકભાજીએ મોંધવારી દર વધાર્યો

શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં 32.42 ટકા રહ્યો જે એપ્રિલમાં 23.60 ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર 58.05 ટકા જ્યારે બટાકાનો મોંઘવારી દર 64.05 ટકા રહ્યો છે. આ ઉપરાંત મે મહિનામાં દાળનો મોંઘવારી દર પણ 21.95 ટકા રહ્યો હતો. ઈંધણ અને પાવર સેક્ટરમાં ફુગાવો 1.35 ટકા રહ્યો છે, જે એપ્રિલના 1.38 ટકાથી નજીવો ઓછો છે. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો 0.78 ટકા રહ્યો, જે એપ્રિલમાં માઈનસ 0.42 ટકા હતો.

છૂટક ફુગાવામાં મળી રાહત

મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં વધારો એ જ મહિનાના છૂટક ફુગાવાના આંકડાથી વિપરીત છે. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરાયેલા ડેટા અનુસાર, રિટેલ ફુગાવો મે મહિનામાં ઘટીને 4.75 ટકા થયો હતો, જે એક વર્ષમાં સૌથી નીચો સ્તર છે. જોકે રાહતની વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં રાખે છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં RBIએ સતત આઠમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: 22 જૂને યોજાશે GST કાઉન્સિલની બેઠક, જાણો શું નિર્ણય લેવાશે ?

Back to top button