બિઝનેસ

ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક વધીને 9.92 ટકા થયો, મોંઘવારીથી સામાન્ય માણસ પીસાયો

WPI Inflation: દેશમાં ફુગાવાનું દબાણ સતત વધી રહ્યું છે, જેની સીધી અને આકરી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારિત ફુગાવો વધીને 9.92 ટકા નોંધાયો છે. આ દરો જુલાઈ મહિનામાં નોંધાયેલા 9.78 ટકા કરતાં વધુ છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ સૂચકાંક સતત ઉપર તરફનું વલણ દર્શાવી રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

મોંઘવારીનો ત્રિપંખીયો માર

મંત્રાલયના રિપોર્ટ અનુસાર, વિવિધ ક્ષેત્રોમાં ભાવવધારાએ WPI ફુગાવામાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઓગસ્ટમાં ખાદ્ય સૂચકાંકમાં ફુગાવો વધીને 7.05 ટકા થયો છે, જે જુલાઈમાં 6.65 ટકા હતો. ઉત્પાદિત ચીજવસ્તુઓ (Manufactured Products) માં WPI ફુગાવો 8.37 ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. સૌથી વધુ ઉછાળો ઇંધણ અને વીજળી ક્ષેત્રે જોવા મળ્યો છે, જ્યાં ફુગાવો 22.93 ટકા નોંધાયો છે. આ ઉપરાંત ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ અને રાસાયણિક ઉત્પાદનોના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે.

વૈશ્વિક સંકટની અસર

દેશમાં ફુગાવાનું દબાણ વધવા પાછળ વૈશ્વિક પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ભારતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આ જ માર્ગે આયાત કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ પણ વધ્યા છે, જેના કારણે ખાદ્યપદાર્થોનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને સ્થાનિક સ્તરે મોંઘવારી વધી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

RBIનું વલણ

બીજી તરફ, ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિએ બેન્ચમાર્ક નીતિ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી અને નીતિ દર 5.25% પર સ્થિર રાખ્યા છે. સમિતિએ નાણાકીય વર્ષ 2027 માટે છૂટક ફુગાવાનો દર 5% રહેવાનો અંદાજ મૂક્યો છે. રિઝર્વ બેંકે અપૂરતા તેમજ અસમાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અને અલ નીનો (El Niño) ની પરિસ્થિતિઓને ફુગાવાના જોખમ માટે મુખ્ય કારણો ગણાવ્યા છે.

આ પણ વાંચો: શેરબજારમાં FPIનું મોટું ધોવાણ: સપ્ટેમ્બરના 2 અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ ₹13,138 કરોડ પાછા ખેંચ્યા

Back to top button