ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં મોંઘવારીકાળમાં કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા

  • છુટક લીંબુ એક કિલો રૂ.200માં મળી રહ્યા છે
  • કઠોળના ભાવમાં કિલોએ રૂ.25 સુધીનો વધારો
  • ભાવો વધવાને લીધે ગુજરાતી ભાણામાંથી કઠોળ ગાયબ થયા

અમદાવાદમાં મોંઘવારીકાળમાં કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેમાં રોજિંદા જીવનની ચીજ-વસ્તુમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કઠોળના ભાવ વધતા ભાણામાંથી કઠોળ ગાયબ થયા છે. તેમજલેભાગુ તત્ત્વોનો કૃત્રિમ ભાવ વધારાનો ખેલ કરી રહ્યાં છે. ઉનાળામાં અસહ્ય ગરમીને લીધે નાળિયેરની અછત ઉભી થતા ભાવોમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી મામલે આવ્યા રાહતના સમાચાર 

કઠોળના ભાવમાં કિલોએ રૂ.25 સુધીનો વધારો

મોંઘવારીકાળમાં કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. કઠોળના ભાવમાં કિલોએ રૂ.25 સુધીનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય દિવસોમાં તુવેરની દાળ રૂ.80ની કિલો મળતી હતી તે અત્યારે રૂ.190ની મળી રહી છે. ઉનાળામાં અસહ્ય ગરમીને લીધે નાળિયેરની અછત ઉભી થતા ભાવોમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં નાળિયેર રૂ.40 થી 45માં મળતા હતા તે અત્યારે રૂ.70 થી 90માં મળી રહ્યા છે. જેમાં મોટું નાળિયેર રૂ.100માં મળી રહ્યું છે. આ ઉપરાંત લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે જેના લીધે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ રૂ.20 સુધીનો વધારો થઈ ગયો છે.

કઠોળના ભાવો વધવાને લીધે ગુજરાતી ભાણામાંથી હવે કઠોળ ગાયબ થયા

કઠોળના ભાવો વધવાને લીધે ગુજરાતી ભાણામાંથી હવે કઠોળ ગાયબ થઈ ગયા છે. આમ ખાણી-પીણીના ભાવોમાં આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. જેના લીધે ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે. ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હવે કયાં સુધી અમે ધીરજ રાખીએ, મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. ઊલટાનું મોંઘવારી વધતી જાય છે. બીજી તરફ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગમાં અપુરતા સ્ટાફને લીધે બજારમાં કોઈ તપાસ કરવા જતા નથી જેના લીધે લેભાગુ વેપારીઓ કિંમતમાં કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી રહ્યા છે.

ઘરમાં વાપરવામાં આવતી મોટા દાણાની ખાંડ રૂ.52 થી 58 મળી રહી છે

ખાંડમાં કિલોએ રૂ.4 સુધીનો વધારો આવ્યો છે. સામાન્ય દિવસોમાં ખાંડ રૂ.40ની મળતી હતી તેના હાલમાં રૂ.42 થી 44 કિલો થયા છે. જયારે ઘરમાં વાપરવામાં આવતી મોટા દાણાની ખાંડ રૂ.52 થી 58 મળી રહી છે. સામાન્ય દિવસોમાં લીંબુ રૂ.40ના કિલો મળતા હતા. પરંતુ ઉનાળામાં લીંબુનો ઉપાડ વધતા અચાનક બજારમાં લીંબુની આવક ઓછી થઈ જતા હાલ રૂ.130ના કિલો હોલસેલમાં મળી રહ્યા છે. જયારે છુટક લીંબુ એક કિલો રૂ.200માં મળી રહ્યા છે.આગામી દિવસોમાં ભાવોમાં હજુ ઉછાળો આવી શકે છે તેમ શાકભાજીના વેપારી જણાવી રહ્યા છે.

Back to top button