ટ્રેન્ડિંગ

WhatsAppમાં આવશે AIનો નવો અવતાર, પેમેન્ટ પણ થશે સરળ

WhatsApp New Features: WhatsApp હવે માત્ર મેસેજ મોકલવા, કોલ કરવા અને ફોટો-વિડિયો શેર કરવા પૂરતું મર્યાદિત રહેવા માગતું નથી. કંપની તેને એવું પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરી રહી છે, જ્યાં વાતચીતની સાથે રોજિંદા જીવનનાં અનેક જરૂરી કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકાય. આગામી સમયમાં યુઝર્સને એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સરળ પેમેન્ટ અને વધુ સારી વોઇસ મેસેજિંગ જેવી નવી સુવિધાઓ મળી શકે છે.

WhatsAppના નવા પ્રમુખ કુણાલ શાહે કંપનીની ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી શેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર, કંપની મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં વધુ સારી કમ્યુનિકેશન સુવિધાઓ, નાણાકીય અને ટેલિકોમ સેવાઓનો વિસ્તાર તથા AIનો ઉપયોગ સામેલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એપમાંથી બહાર નીકળ્યા વગર કરી શકાશે પેમેન્ટ અને અન્ય કામ

WhatsApp પર રોજિંદાં કામ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની યોજના છે. આ માટે કંપની નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ અને ટેલિકોમ પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહી છે. આ યોજના હેઠળ યુઝર્સ એપમાંથી બહાર નીકળ્યા વગર બિલની ચુકવણી કરી શકશે, નાણાં ઉધાર લઈ શકશે અને મુસાફરી દરમિયાન કનેક્ટિવિટી જાળવી શકશે. આ સુવિધાઓથી WhatsAppનો ઉપયોગ માત્ર મેસેજિંગ પૂરતો નહીં રહે, પરંતુ રોજિંદા કામ માટે પણ થઈ શકશે.

WhatsAppમાં આવી શકે છે આ મોટા ફેરફારો

WhatsAppના પ્રમુખ કુણાલ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કંપનીની આગામી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુઝર્સ મેસેજિંગ એપ પાસેથી શું અપેક્ષા રાખે છે અને તેમનો અનુભવ કેવી રીતે વધુ સારો બનાવી શકાય. શાહના જણાવ્યા અનુસાર, WhatsApp પર દરરોજ 10 અબજથી વધુ વોઇસ મેસેજ અને 4 અબજથી વધુ સ્ટિકર્સ મોકલવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કંપની વોઇસ નોટ્સ, ગ્રુપ ચેટ, સ્ટિકર્સ અને વીડિયોનો ઉપયોગ વધુ સરળ અને સુવિધાજનક બનાવવા પર કામ કરી રહી છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ યુઝર્સના વાતચીત કરવાના અનુભવને વધુ સરળ અને સારો બનાવવાનો છે.

આ પણ વાંચો: નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધીશના દર્શને ઉમટ્યો ભક્તોનો મહાસાગર

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા યથાવત રહેશે

નવી સુવિધાઓની સાથે WhatsApp યુઝર્સની ખાનગી માહિતીની સુરક્ષા પર પણ ધ્યાન આપી રહ્યું છે. કુણાલ શાહના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ પર દરરોજ 100 અબજથી વધુ મેસેજ અને 2 અબજથી વધુ કોલ થાય છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુઝર્સના અંગત મેસેજ અને કોલ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહેશે. એટલે નવી સુવિધાઓ ઉમેરવાની સાથે પ્રાઇવસી જાળવવા પર પણ કંપનીનું ધ્યાન રહેશે.

AIની મદદથી સરળ બનશે રોજિંદાં કામ

WhatsApp પોતાના પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા માગે છે. કંપનીની યોજના AIની મદદથી યુઝર્સને જરૂરી માહિતી શોધવામાં, વિવિધ કામ પૂર્ણ કરવામાં અને બુકિંગ કે એપોઇન્ટમેન્ટ જેવી મહત્વપૂર્ણ બાબતો પર નજર રાખવામાં મદદ કરવાની છે. જોકે, કુણાલ શાહે હજુ સુધી કોઈ ચોક્કસ AI ફીચર કે તેના લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી. તેથી આ સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હાલ સ્પષ્ટતા નથી.

આ પણ વાંચો: IPLમાં બે નવી ટીમોની થશે એન્ટ્રી? BCCIએ અટકળો વચ્ચે કરી મોટી સ્પષ્ટતા

Back to top button