IPLમાં બે નવી ટીમોની થશે એન્ટ્રી? BCCIએ અટકળો વચ્ચે કરી મોટી સ્પષ્ટતા
IPL: IPLમાં બે નવી ટીમોની એન્ટ્રીને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે BCCIએ સ્પષ્ટતા કરી છે. ક્રિકેટ ચાહકોને આશા હતી કે 2028થી IPLમાં 10ની જગ્યાએ 12 ટીમો જોવા મળશે, પરંતુ BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ અહેવાલોને માત્ર અટકળો ગણાવ્યા છે.
તેમણે સ્પષ્ટ કર્યું છે કે IPLમાં ટીમોની સંખ્યા 10થી વધારીને 12 કરવાની બાબતે બોર્ડમાં હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. આ મુદ્દે ઔપચારિક જ નહીં, પરંતુ અનૌપચારિક ચર્ચા પણ થઈ નથી. દેવજીત સૈકિયાએ PTI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2028માં IPLને 12 ટીમોની ટુર્નામેન્ટ બનાવવાની સંભાવના અંગે બોર્ડમાં કોઈ ચર્ચા થઈ નથી. હાલમાં આ બાબત બોર્ડના વિચારાધીન પણ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2027ના IPL પર BCCIનું સંપૂર્ણ ધ્યાન
BCCI સચિવે જણાવ્યું હતું કે હાલમાં બોર્ડનું સંપૂર્ણ ધ્યાન IPLની આગામી સિઝન પર છે. વર્ષ 2027માં યોજાનારી IPL ટુર્નામેન્ટ તેની 20મી આવૃત્તિ હશે, જેને ખાસ અને યાદગાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં બોર્ડ 2027માં યોજાનારી IPLની 20મી આવૃત્તિ પર કામ કરી રહ્યું છે અને તેનાથી આગળની કોઈ બાબત અંગે વિચારણા કરવામાં આવી રહી નથી. આ સાથે જ તેમણે 2028થી ટીમોની સંખ્યા વધારવા અંગે ચાલી રહેલા અહેવાલોને કેટલાક લોકોની કલ્પનાઓમાંથી જન્મેલી અટકળો ગણાવી હતી. આ અહેવાલોનો કોઈ આધાર નથી તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
આ પણ વાંચો:મૂડીઝે વધાર્યો ભારતનો ગ્રોથ રેટ, FY27માં 7% રહેવાનું અનુમાન
ખેલાડીઓના પર્સમાં વધારા અંગે પણ નિર્ણય બાકી
IPL 2027ના ઓક્શન પહેલાં ફ્રેન્ચાઇઝીઓના ખેલાડીઓના પર્સમાં વધારો કરવાની ચર્ચા પણ ચાલી રહી હતી. એવી અટકળો હતી કે ખેલાડીઓનું પર્સ રૂ. 125 કરોડથી વધારીને રૂ. 150 કરોડ કરવામાં આવી શકે છે. જોકે, દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આ અંગે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ઓક્શન 16 ડિસેમ્બરે યોજાશે, પરંતુ તે મેગા ઓક્શન નહીં હોય. આવતા વર્ષે યોજાનારા મેગા ઓક્શન બાદ જ ખેલાડીઓના પર્સમાં વધારો કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.












