Vijay Rupani: સંઘના કાર્યકરથી ગુજરાતના 16મા મુખ્યમંત્રી સુધીની સફર

અમદાવાદ. 12 જૂન 2025 Ahmedabad Plane crash બર્માના રંગૂનમાં જૈન પરિવારમાં જન્મેલા વિજયભાઇ રૂપાણી અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં હતભાગી બન્યા. સમાજના અને રાજકીય અદના કાર્યકરથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉભરી આવેલા આ લોકનેતાનું જીવન કવન તેમની સાહજીકતા અને કાર્યશૈલીથી તેમને વર્ષ 2021 માટે ભારતની ટોચની 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન મળ્યું હતું. 2016 થી 2021 સુધી બે ટર્મ માટે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય હતા .
વિજય રૂપાણીનો જન્મ માયાબેન અને રમણીકલાલ રૂપાણીને ત્યાં 2 ઓગસ્ટ 1956ના થયો હતો. મ્યાનમારના યાંગોનમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો . તેઓ સાતમા અને સૌથી નાના પુત્ર હતા. બર્મામાં રાજકીય અસ્થિરતાને કારણે તેમનો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર થયો. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમના પિતાની એક ટ્રેડિંગ ફર્મ રસિકલાલ એન્ડ સન્સમાં ભાગીદાર હતા. તેમના લગ્ન અંજલિબેન સાથે થયા હતા, એક પુત્ર, ઋષભ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, અને એક પુત્રી રાધિકા પરિણીત છે. આ દંપતીએ તેમના સૌથી નાના પુત્ર પુજીતને અકસ્માતમાં ગુમાવ્યો હતો. તેની યાદમાં પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું છે.
ABVPના કાર્યકરથી કારકિર્દી શરૂ થઈ
વિજય રૂપાણીની કારકિર્દીની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વિદ્યાર્થી કાર્યકર્તા સાથે થઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા અને ત્યારબાદ 1971 માં જન સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જ પક્ષમાં હતા. 1976 માં કટોકટી દરમિયાન 11 મહિના ભુજ અને ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી રાજકીય વેગ
1987 માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના નગરસેવક તરીકે ચૂંટાયા અને ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 1988 થી 1996 સુધી RMC ની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા. 1995 માં ફરીથી RMC માં ચૂંટાયા. 1996થી 1997 સુધી તેઓ રાજકોટના મેયર તરીકે સેવા આપી. 1998 માં તેઓ ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી બન્યા, ત્યારબાદ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી . 2006 માં તેમને ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય હતા.
CM મોદી વખતે ગુજરાત ભાજપમાં વિશેષ સેવા આપી
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ચાર વખત ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને ૨૦૧૩ માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
સ્પીકર વજુભાઈ વાળાના સ્થાને ધારાસભ્ય બન્યા
ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાએ ઓગસ્ટ 2014 માં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપ દ્વારા વિજય રૂપાણીને તેમની ખાલી બેઠક પર ચૂંટણી લડવા માટે તક અપાઈ હતી. 19 ઓક્ટોબર 2014 ના પેટાચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી અને મંત્રી તરફ આગળ વધ્યા. નવેમ્બર 2014 માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં પરિવહન, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રી બનાવાય હતા.
પ્રદેશ પ્રમુખ પણ બન્યા ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના આર.સી. ફળદુના સ્થાને વિજયભાઇને ગુજરાત ભાજપના પ્રમુખ બનાવાય હતા. ફેબ્રુઆરી ૨૦૧૬ થી ઓગસ્ટ ૨૦૧૬ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ હતા.
વિજય રૂપાણીના અનુગામી બન્યા હાલના CM ભૂપેન્દ્ર પટેલ
આનંદીબેન પટેલના સ્થાને આવ્યા અને 7 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને હરાવીને રાજકોટ પશ્ચિમ મતવિસ્તાર જાળવી રાખ્યો હતો. 22 ડિસેમ્બર 2017 ના તેમને ફરીથી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા. નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને પક્ષે જવાબદારી સોંપી. 11 સપ્ટેમ્બર 2021 ના , તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા.
આ પણ વાંચોઃ Air India Plane Crash: 204 મૃતદેહ મળ્યા, મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે કાળમૂખી બની 12 જૂન











