વેરાવળ-હરિદ્વાર ટ્રેનને કેશોદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ મળ્યું

keshod News: મુસાફરો માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મહત્ત્વપૂર્ણ સુવિધા જાહેર કરવામાં આવી છે. વેરાવળ–હરિદ્વાર–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર 09203/09204ને હવે કેશોદ રેલવે સ્ટેશન (keshod Railway Station) પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નવું સ્ટોપેજ આગામી 20મી ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.
કેશોદમાં ટ્રેન નંબર 09203નો સમય
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 09203 વેરાવળ–હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (Veraval-Haridwar Weekly Special Train)નું કેશોદ સ્ટેશન પર આગામી 20મી ઓક્ટોબર, 2026થી સાંજે 4:39 કલાકે આગમન થશે, જ્યારે ટ્રેન 4:40 કલાકે કેશોદથી પ્રસ્થાન કરશે. આ જ રીતે, ટ્રેન નંબર 09204 હરિદ્વાર–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનું કેશોદ સ્ટેશન પર આગામી 21 ઓક્ટોબર, 2026થી સવારે 8:56 કલાકે આગમન અને 8:57 કલાકે પ્રસ્થાન કરશે.

કેશોદ અને આસપાસના મુસાફરોને મળશે લાભ
કેશોદ રેલવે સ્ટેશન પર આ વધારાના સ્ટોપેજથી કેશોદ તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને હરિદ્વાર ઉપરાંત ટ્રેનના માર્ગમાં આવતા વિવિધ મહત્ત્વપૂર્ણ શહેરો સાથે મુસાફરી માટે વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે. આ વધારાના સ્ટોપેજને કારણે સ્થાનિક મુસાફરો માટે વેરાવળ–હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનો લાભ લેવો વધુ સરળ બનશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પશ્ચિમ રેલવેની મુસાફરોને અપીલ
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (Senior Divisional Commercial Manager) અતુલ કુમાર ત્રિપાઠી (AtulKumar Tripathi)ના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેશોદ ખાતે આ વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા (Dinesh Verma)એ મુસાફરોને આ વધારાના સ્ટોપેજનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. રેલવે દ્વારા મુસાફરોને તેમની મુસાફરી વધુ સુવિધાજનક બનાવવા માટે ઉપલબ્ધ સેવાઓનો ઉપયોગ કરવા જણાવાયું છે.
મુસાફરી પહેલાં ટ્રેનનો સમય ચેક કરવો
રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંચાલન અંગેની લેટેસ્ટ માહિતી ચકાસી લેવા વિનંતી કરવામાં આવી છે. ટ્રેન સંબંધિત લેટેસ્ટ માહિતી માટે ભારતીય રેલવે (Indian Railway)ની અધિકૃત પૂછપરછ સેવા તપાસવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશોદ ખાતે ટ્રેન નંબર 09203નું નવું સ્ટોપેજ 20 ઓક્ટોબર, 2026થી, જ્યારે ટ્રેન નંબર 09204નું સ્ટોપેજ 21 ઓક્ટોબર, 2026થી લાગુ થશે.












