ભિલાડ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી: મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઊતર્યું, કોઈ જાનહાનિ નહીં

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર આજે (28મી જુલાઈ) વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. વિરારથી ભરૂચ તરફ જતી મેમુ (MEMU) ટ્રેન ભિલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ઊભી રહે તે પહેલાં જ તેનું એન્જિન પાટા પરથી નીચે ઊતરી ગયું હતું.
આ ઘટનાને પગલે સ્ટેશન પર અને ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, વહેલી સવારે વિરાર-ભરૂચ મેમુ ટ્રેન ભિલાડ રેલવે સ્ટેશને પહોંચી રહી હતી ત્યારે પ્લેટફોર્મ પર ઊભી રહે તે પહેલાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ખડી પડ્યું હતું. બનાવની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને એન્જિનને ફરી પાટા પર લાવવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટના કયા કારણોસર બની તે અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફથી આવતો અને જતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. જેને પગલે અનેક ટ્રેનો મોડી પડી હતી. વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિતની ટ્રેનો મોડી પડી હતી. જેના કારણે દૈનિક નોકરીયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરો સ્ટેશનો પર અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ વલસાડના પારડી અને ઉદવાડા વચ્ચે ખડકી નજીક ભારે વરસાદને કારણે ટ્રેક નજીક માટી ધસી પડી હતી, જેના કારણે પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યાં જ આજે ફરી ભિલાડ પાસે આ ઘટના બનતાં રેલવે મુસાફરોની ચિંતામાં વધારો થયો છે.
રેલવે વહીવટી તંત્રે આ બનાવને ગંભીરતાથી લીધો છે અને તપાસ પૂર્ણ થતાં જ વધુ માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટીને 1 કરોડ રુપિયા આપશે કપિલ સિબ્બલ, વિદ્યાર્થીઓને કાનૂની મદદ પણ પૂરી પાડશે












