ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વલસાડ અને નવસારીના વેપારીઓને અમદાવાદની જેમ સહાય ચૂકવાશે, મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત

ગાંધીનગર: આજે એટલે કે 31 જુલાઈના રોજ વરસાદ સંલગ્ન રેડ એલર્ટને ધ્યાને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. જલાલપોરના પનાર, દેલવાડા અને મચ્છાડ ગામો તથા ચીજ, દાંતી સહિતના અન્ય ગામોના ઝીંગા તળાવો ખાતે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્રની ટીમોએ મુલાકાત લઈને જરૂરી જણાય ત્યાં હોર્ડિંગ્સ અને બેનરોને દૂર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વલસાડ ખાતેથી જાહેરાત કરતાં કહ્યું હતું કે વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે પણ આર્થિક પુનઃવસન સહાય ચૂકવવામાં આવશે. અમદાવાદ અને સુરતની જેમ જ વેપારીઓને સરકાર સહાય આપશે. ખેતીવાડી અને બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સર્વે પૂર્ણ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારા-ધોરણો મુજબ ખેડૂતોને સહાય અપાશે અને તેની વિગતવાર જાહેરાત કરવામાં આવશે. વિકટ પરિસ્થિતિમાં દરેક તબક્કે નાગરિકોને સહાય પૂરી પાડવામાં આવશે. આગામી બે દિવસ હજુ રેડ અને ઓરેન્જ એલર્ટ હોવાથી વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર પૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વાહનો દ્વારા જનતાને સતર્ક રહેવા સૂચના અપાઈ રહી છે તેમજ આર્મી, NDRF અને કોસ્ટ ગાર્ડની ટીમોને પણ તૈનાત અને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

નવસારી જિલ્લામાં પણ વરસાદના રેડ એલર્ટને પગલે કલેક્ટરે ટ્વિટ કરીને આપેલી સૂચના મુજબ આવતીકાલે તમામ શાળા-કોલેજો, ITI તથા આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, વ્યક્તિગત કારણો આપ્યા

Back to top button