UP: કુશીનગરમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોનાં 48 કલાકમાં મોત, ગામમાં દહેશત

ઉત્તર પ્રદેશ: રાજ્યમાં કુશીનગરના એક ગામમાં એક જ પરિવારના ત્રણ બાળકોના મોત થયા છે. બે જ દિવસમાં ત્રણ બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ત્રણેય બાળકોને તાવ આવ્યો હતો. આ જોતા હવે ગામમાં એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, અને તબીબી પરીક્ષણો શરૂ કરવામાં આવ્યા છે. ત્રણેય બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે જાણવા માટે પ્રયાસો ચાલી રહ્યા છ
દીકરી મંજુનું હોસ્પિટલમાં જ મોત
આ કિસ્સો કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગિયા બ્લૉકના ઢોલ્હા ગામના લહરિયા ટોલાથી સામે આવ્યો છે. અહીં રહેતા પિન્ટુ ગૌડની 7 વર્ષીય દીકરી મંજુને છેલ્લા એક અઠવાડિયાથી સતત તાવ રહેતો હતો. પરિવાર તેને સ્થાનિક ડૉક્ટર પાસે લઈ ગયો, પરંતુ રાહત ન મળતાં છેવટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. દુઃખદ રીતે હૉસ્પિટલમાં જ મંજુનું મૃત્યુ થઈ ગયું. પરિવાર હજી મંજુના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યો નહોતો કે ત્યાં તો તેમના પર વધુ એક મોટી આફત આવી પડી.
એક સાથે બે પુત્રીઓના મોત
બુધવારે મંજુનુ અવસાન થયું અને ત્યારથી જ, પિન્ટુની નાની પુત્રી ખુશીની પણ તબિયત બગડવા લાગી. તેને જિલ્લા હોસ્પિટલ ગયા, પરંતુ ડોક્ટરોએ તેણીની હાલત ગંભીર હોવાથી ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં રિફર કરી. શુક્રવારે સવારે ખુશીનું પણ ત્યાં અવસાન થયું. બે દિવસમાં બંને પુત્રીઓના મોતથી પિન્ટુનો પરિવાર શોકમાં ડૂબી ગયો.
પિન્ટુ ગૌડના પરિવાર પર જે આફત આવી તે અહીં જ થોભી નહી. પિન્ટુના મોટા ભાઈ દશરથના પાંચ વર્ષના પુત્ર કૃષ્ણાનું પણ ખૂબ તાવ આવવાથી મૃત્યુ થયું. શુક્રવારે કૃષ્ણાને પડરૌના લઈ જવાતો હતો ત્યારે રસ્તામાં જ તેનું પણ મૃત્યુ થયું. પરિવારમાં ત્રણ માસૂમ બાળકોના એક સાથે મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. પરિવારની સાથે સાથે આરોગ્ય વિભાગ અને ગ્રામજનોમાં પણ ગભરાટ ફેલાયો છે.
આરોગ્ય ટીમે કેમ્પ શરૂ કર્યો
ઘટનાની માહિતી મળતાં, આરોગ્ય વિભાગની ટીમે ગામમાં એક કેમ્પ શરૂ કર્યો અને આશરે 57 બાળકોની તપાસ કરી. તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ તાવના પરીક્ષણો કરવામાં આવ્યા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ટીમે અસરગ્રસ્ત ઘરોની આસપાસ દવા અને બ્લીચિંગ પાવડરનો છંટકાવ કર્યો અને રહેવાસીઓને સ્વચ્છતા જાળવવા વિનંતી કરી.
આ પણ વાંચો: મૂવી ટિકિટ, ટાઈગર સફારી અને હેલિકોપ્ટર રાઇડ્સ… SIR ખાતે BLOs ને મોજ












