ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રેન બે કલાક વહેલી ઉપડી ગઈ, રેલવે અને IRCTCને મુસાફરને ₹15,620 ચૂકવવાનો આદેશ

Train Departed Early: ટ્રેનના સમયપત્રકમાં ફેરફારની યોગ્ય જાણ ન કરાતાં એક મુસાફરનો પરિવાર ટ્રેન ચૂકી ગયો હતો. આ મામલે પંજાબના ફિરોઝપુર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે રેલવે અને IRCTC સામે મહત્ત્વનો આદેશ આપ્યો છે. આયોગે મુસાફરને ટિકિટના ₹10,620 રિફંડ કરવા ઉપરાંત માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે ₹5,000 વળતર ચૂકવવા જણાવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

ફરિયાદી મુસાફરે 10 જૂન, 2024ના રોજ ગોવાના મડગાંવથી દિલ્હી સ્થિત હઝરત નિઝામુદ્દીન સુધીની મુસાફરી માટે પોતાની, પત્ની અને દીકરી એમ ત્રણ ટિકિટ બુક કરાવી હતી. આ ટિકિટ માટે તેમણે કુલ ₹10,620 ચૂકવ્યા હતા. ફરિયાદ મુજબ પરિવાર નિર્ધારિત સમય પહેલાં જ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો, પરંતુ ત્યાં પહોંચતાં જાણવા મળ્યું કે ટ્રેન સમયપત્રકમાં ફેરફારને કારણે બે કલાક વહેલી ઉપડી ગઈ હતી. મુસાફરે સ્ટેશન માસ્ટર પાસે ટ્રેનના સમયમાં થયેલા ફેરફાર અંગે પૂછપરછ કરી હતી. ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે સુધારેલા સમયની જાણ કરવાની જવાબદારી IRCTCની છે. ટ્રેન ચૂકી જતાં પરિવારને દિલ્હી પહોંચવા માટે ત્રણ વિમાનની ટિકિટ ખરીદવી પડી હતી. ત્યારબાદ મુસાફરે સેવામાં ખામી અને અયોગ્ય વેપાર વ્યવહારનો આરોપ લગાવી ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.

રેલવે અને IRCTCએ શું દલીલ કરી?

રેલવે તરફથી દલીલ કરવામાં આવી હતી કે કોંકણ રેલવેમાં ચોમાસા અને બિનચોમાસા માટે અલગ સમયપત્રક હોય છે. દર વર્ષે 10 જૂનથી 30 ઑક્ટોબર સુધી ચોમાસાનું સમયપત્રક અમલમાં રહે છે. રેલવેના જણાવ્યા અનુસાર, નવા સમયની માહિતી સ્ટેશનનાં નોટિસ બોર્ડ, જાહેર જાહેરાતો અને કોંકણ રેલવેની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મુસાફરે ચોમાસા દરમિયાન ટ્રેનનો સમય તપાસવો જોઈતો હતો તેવી પણ દલીલ કરવામાં આવી હતી. બીજી તરફ IRCTCએ જણાવ્યું હતું કે તેની જવાબદારી માત્ર ઓનલાઇન ટિકિટ બુકિંગ પૂરતી છે અને ટ્રેનના સંચાલન કે સમયપત્રકમાં ફેરફાર સાથે તેને કોઈ સીધો સંબંધ નથી.

ગ્રાહક આયોગે શું કહ્યું?

ફરિયાદ અને બંને પક્ષોની દલીલો તથા પુરાવાઓની તપાસ કર્યા બાદ આયોગે જણાવ્યું કે મુસાફરોને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવા મેળવવાનો અધિકાર છે. વહીવટીતંત્રની મનસ્વી કામગીરીને કારણે મુસાફરોને મુશ્કેલીમાં મૂકી શકાય નહીં. ટ્રેનના સમયપત્રકની યોગ્ય અને સ્પષ્ટ માહિતી આપવાની જવાબદારી સંબંધિત સત્તાધિકારીઓની છે.

આયોગના પ્રમુખ કિરણજીત કૌર અરોરા અને સભ્ય સુમન ખન્નાએ સેવામાં ખામી હોવાનું માનીને નોર્થર્ન રેલવે, કોંકણ રેલવે અને IRCTC સહિતના જવાબદાર પક્ષોને મુસાફરને ટિકિટના ₹10,620 પરત કરવા અને ₹5,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ રીતે મુસાફરને કુલ ₹15,620 ચૂકવવાના રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચોઃ દિવાળી-છઠને કારણે નોઈડા-ગ્રેટર નોઈડામાં ટ્રાફિક જામ, રાતભર મુસાફરો અટવાયા
Back to top button