
સુરત શહેરના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનો બાળક રમતા-રમતા પાણીમાં પડી ગયો હતો. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત નિપજ્યું હતું. પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા ત્યારે આ કરૂણ ઘટના બની હતી. નોંધનીય છે કે, આ હોટલ પાણીવાળી હોટલ તરીકે ફેમસ છે.
યોગી ચોકના શુભમ રેસીડેન્સી પાસે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ વિસ્તારમાં આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. હોટેલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું. તે દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો પુત્ર ક્રિસીવ રમતા-રમતા બહાર નીકળી ગયો હતો અને બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો હતો.
બેન્કવેટ હોલમાં કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં છે. જ્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલતી હતી તે દરમિયાન બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી. તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી હતી. હોટલના સંચાલકો ક્રિસીવને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતાં. બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન અવસ્થામાં હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટર દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના અંગે હોટલના મેનેજર હસનભાઈ રાબડીએ જણાવ્યું કે, બાળક વોટર પોન્ડમાં પડી ગયો હતો. બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. મેં તાત્કાલિક બાળકને બહાર કાઢ્યો અને તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.












