હોર્મુઝમાં 3 ભારતીયોના મોતથી ભારત-અમેરિકા વચ્ચે તણાવ! જયશંકરના વિરોધ બાદ માર્કો રૂબિયોની કડક ચેતવણી

Tensions between India and America rise : હોર્મુઝ જળસંધિ વિસ્તારમાં બનેલી તાજેતરની ઘટનાને લઈને ભારત અને અમેરિકા વચ્ચે રાજનૈતિક તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ઓમાન કિનારે તેલ ટેન્કરો પર થયેલી અમેરિકી કાર્યવાહી દરમિયાન ત્રણ ભારતીય નાવિકોના મોત થયા બાદ ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હોર્મુઝ વિસ્તારમાં લાગુ અમેરિકી નાકાબંધીનો ભંગ કોઈપણ સ્થિતિમાં સહન કરવામાં નહીં આવે.
માહિતી મુજબ, ઓમાન કિનારે પલાઉ ધ્વજ ધરાવતા MT Setebello નામના તેલ ટેન્કર પર અમેરિકી કાર્યવાહી દરમિયાન ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને ભારતે અમેરિકાના કાર્યકારી રાજદૂત જેસન મીક્સને બે વખત તલબ કર્યા હતા. બીજી વખત ત્યારે બોલાવવામાં આવ્યા હતા જ્યારે 20 ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા બીજા વેપારી જહાજ પર પણ હુમલાની ઘટના સામે આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી Marco Rubio વચ્ચે ફોન પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. અમેરિકી નિવેદન અનુસાર, રૂબિયોએ કહ્યું કે હોર્મુઝ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તમામ વ્યાવસાયિક જહાજોએ અમેરિકી દળોના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે.
અમેરિકાએ વધુમાં જણાવ્યું કે અમેરિકી નાકાબંધીનું ઉલ્લંઘન અને ઈરાની તેલના ગેરકાયદે પરિવહનને કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે. બીજી તરફ, જયશંકરે આ સમગ્ર કાર્યવાહી સામે ભારતનો કડક વિરોધ નોંધાવ્યો હતો.
જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “ખાડી વિસ્તારમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહી સામે ભારતે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. વ્યાવસાયિક જહાજો સામે આવી જીવલેણ કાર્યવાહી યોગ્ય નથી.”
આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સમુદ્રી સુરક્ષા, વેપાર માર્ગો અને રાજનૈતિક સંબંધોને લઈને નવી ચર્ચા જગાવી છે. હાલ સમગ્ર મામલે વિશ્વભરના દેશોની નજર ભારત અને અમેરિકાના આગામી પગલાં પર ટકી છે.
આ પણ વાંચો : પટનામાં વિદ્યાર્થીઓનો હોબાળો! ટ્રેન મોડી પડતાં સ્ટેશન પર તોડફોડ કરી












