તેલંગાણાના સંગારેડીમાં ગણેશ વિસર્જન દરમિયાન 6 બાળકો ડૂબ્યા
Telangana: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાટનચેરુ મંડળના પેદ્દાકંજેરલા ગામમાં બુધવારે ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન ઊંડા પાણીમાં ડૂબી જવાથી 6 બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક દુર્ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી અને ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા.
ગણેશ વિસર્જન કરવા ગયા હતા બાળકો
પ્રાથમિક વિગતો અનુસાર, પેદ્દાકંજેરલા ગામના કેટલાક બાળકો ગણેશ પ્રતિમાના વિસર્જન માટે સ્થાનિક ‘નેરેડુ ચેરુવુ’ (તળાવ) ખાતે પહોંચ્યા હતા. વિસર્જન પ્રક્રિયા દરમિયાન છ બાળકો પગ લપસતાં કે અજાણતાં ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બાળકોને તરતાં આવડતું નહોતું, જેના કારણે તેઓ ઊંડા પાણીમાં ગયા બાદ પોતાને બચાવી શક્યા નહીં. કાંઠે ઉપસ્થિત લોકોએ બાળકોને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તમામ મૃતક બાળકો શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ હતા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ છ બાળકો ‘શિરીષા ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ હતા. એકસાથે છ માસૂમ બાળકોના મોતની ખબર મળતાં જ તેમના પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો:સિરીઝ જીત્યા બાદ શ્રેયસ અય્યરે ટીમનું ટેન્શન કેમ વધાર્યું?
દુર્ઘટનાના કારણો અંગે તપાસ શરૂ
પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકો કેવી રીતે આટલા ઊંડા પાણી સુધી પહોંચ્યા અને વિસર્જન સ્થળે સુરક્ષાના શું આગોતરા પગલાં લેવાયાં હતાં તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન સર્જાયેલા આ કરુણ અકસ્માતથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.












