સાયન્સ એન્ડ ટેકનોલોજી

દિવાળી પહેલા સાયબર જગતમાં મોટો ધડાકો: AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને વિજય સેલ્સ હેકર્સોની ઝપેટમાં!

Data Breach Alert: દિવાળીના તહેવારોની આ ખાસ મોસમમાં જ્યારે દેશભરમાં લોકો મોટા પાયે ઓનલાઈન ખરીદી અને શોપિંગ કરી રહ્યા છે, ત્યારે સાયબર ગુનેગારોએ જાણીતી ભારતીય કંપનીઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. સાયબર સુરક્ષા જગતમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં ‘AU સ્મોલ ફાઇનાન્સ બેંક’ અને જાણીતી ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ચેઇન ‘વિજય સેલ્સ’ હેકર્સના નિશાન પર આવી ગઈ છે. સાયબર હેકર્સે આ બે મોટી અગ્રણી કંપનીઓની સુરક્ષા પ્રણાલીમાં ઘૂસણખોરી કરીને લાખો ભારતીય ગ્રાહકોનો અત્યંત ખાનગી ડેટા ચોરી લીધાનો દાવો કર્યો છે. આ ગંભીર સાયબર હુમલાએ સામાન્ય નાગરિકોની ડિજિટલ ગોપનીયતા અને મહેનતની કમાણી સામે મોટું જોખમ ઊભું કર્યું છે.

AU સ્મોલ ફાઇનાન્સ બેંકના KYC અને લોન રેકોર્ડ્સ હેક

સાયબર સિક્યુરિટી મોનિટરિંગ પ્લેટફોર્મ હેકમેનિયાકના અહેવાલ મુજબ, ‘સ્કાર્લેટગ્રુપ’ નામના કુખ્યાત હેકર જૂથે AU સ્મોલ ફાઇનાન્સ બેંકની આંતરિક સિસ્ટમમાં સફલતાપૂર્વક ઘૂસણખોરી કરી દીધી છે. હેકર્સે ખુલ્લી ધમકી આપી છે કે જો બેંક તેમની ગેરકાયદેસર શરતો નહીં સ્વીકારે તો ગ્રાહકોનો તમામ ખાનગી ડેટા સાર્વજનિક કરવામાં આવશે. આ હેકર જૂથનો દાવો છે કે તેમની પાસે ગ્રાહકોના KYC દસ્તાવેજો, પાન કાર્ડ (PAN), ક્રેડિટ રિપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, લોન ફોર્મ અને હસ્તાક્ષરિત કરારોની સંપૂર્ણ ડિજિટલ એક્સેસ મોજુદ છે. આ જોખમ માત્ર ગ્રાહકો પૂરતું સીમિત નથી, પરંતુ હેકર્સે બેંકના કર્મચારીઓની વિગતો, લોગિન હિસ્ટ્રી, વીમા દસ્તાવેજો અને ઓડિટ લોગ્સ પણ મેળવી લીધા છે, જેના કારણે ડાર્ક વેબ પર એક કાઉન્ટડાઉન ટાઈમર પણ સેટ કરવામાં આવ્યું છે.

વિજય સેલ્સની સુપર એડમિન એક્સેસ ડાર્ક વેબ પર 21 લાખ રૂપિયામાં વેચાણ અર્થે ઉપલબ્ધ

ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચેઇન ‘વિજય સેલ્સ’ ને પણ સાયબર ફ્રોડનો મોટો ઝટકો લાગ્યો છે. ડાર્ક વેબ ઇન્ફોર્મરના જણાવ્યા અનુસાર, ‘શાઇનીમોન્ટાના’ નામના યુઝરે વિજય સેલ્સની સુપર એડમિનિસ્ટ્રેટર એક્સેસને $25,000 એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ₹21 લાખની તોતિંગ કિંમતે વેચવાની ઓફર કરી છે. પુરાવા તરીકે હેકરે કંપનીના એડમિન ડેશબોર્ડના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ એક્સેસના માધ્યમથી 3 મિલિયનથી વધુ શોપિંગ ઓર્ડરના રેકોર્ડ્સ, 15,000 કર્મચારીઓનો ડેટા અને આશરે 140,000 વિક્રેતાઓના બિલિંગ રેકોર્ડ્સ હેકર્સીની પકડમાં આવી ગયા છે. હેકરે દાવો કર્યો છે કે તે કંપનીના ડેટાબેઝમાં ગમે ત્યારે ઇચ્છા મુજબ ફેરફાર કરી શકે છે.

ગ્રાહકોમાં ગંભીર બેંકિંગ છેતરપિંડી અને આર્થિક ફ્રોડનો ફેલાયો ભય

બેંકો અને જાણીતા રિટેલ સ્ટોર્સ પર થયેલા આ આઘાતજનક સાયબર હુમલાઓ બાદ સામાન્ય જનતામાં ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીનો ભય વ્યાપી ગયો છે. સાયબર ગુનેગારો ગ્રાહકોની ચોરાયેલી માહિતી, આધાર ડેટા, પાન નંબર, બેંક સ્ટેટમેન્ટ અને શોપિંગ પેમેન્ટ હિસ્ટ્રીનો ઉપયોગ કરીને મોટા પાયે આર્થિક કૌભાંડો આચરી શકે છે. તેઓ પીડિતોની ઓળખ ચોરી કરીને તેમના નામે ફ્રોડ લોન મેળવી શકે છે અથવા તો નવું નકલી બેંક ખાતું પણ ખોલાવી શકે છે. આ ડેટાના આધારે સ્કેમર્સ બેંક અધિકારીઓ હોવાનો દાવો કરીને અત્યંત સચોટ વિગતો સાથે ફિશિંગ કોલ્સ કરી શકે છે, જેના કારણે લોકો સરળતાથી તેમના ઝાંસામાં ફસાઈ જાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સાયબર જોખમોથી બચવા માટે સતર્કતા જરૂરી

આવા ગંભીર સાયબર જોખમો અને ડેટા લીક જેવી દુર્ઘટનાઓથી સુરક્ષિત રહેવા માટે નાગરિકોએ અત્યંત સાવચેત રહેવું અનિવાર્ય છે. તહેવારોની મોસમમાં કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા KYC અપડેટ, લોન ઓફર કે રિફંડના મેસેજ પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. તમારા બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ્સ નિયમિતપણે ચેક કરતા રહેવું અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત બેંકનો સંપર્ક કરવો. સાયબર સુરક્ષાના આ યુગમાં થોડી અસાવધાની આપણને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે, તેથી ડિજિટલ વ્યવહારો કરતી વખતે હંમેશાં પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: એલોન મસ્કની ભવિષ્યવાણી! આર્ટિફશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટ મનુષ્યની જેમ કરશે કામ

Back to top button