ISROની વધુ એક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટથી ભારતની નેવિગેશન સિસ્ટમ બનશે વધુ શક્તિશાળી

NVS-03 Launch : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)એ અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. 30 ઓક્ટોબર 2026ની રાત્રે 11:51 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા (Sriharikota) સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ-2 પરથી GSLV-F18 રોકેટ દ્વારા NVS-03 સેટેલાઇટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ (NavIC)ને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેમાં સ્વદેશી એટોમિક ક્લોક અને નવી L1 સિગ્નલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
GPS પરની નિર્ભરતા ઘટાડશે NVS-03
આ મિશનનો મુખ્ય હેતુ ભારતની પોતાની નેવિગેશન વ્યવસ્થા (NavIC)ની ક્ષમતા વધારવાનો છે. અત્યાર સુધી મોબાઇલમાં રસ્તો શોધવા, વાહનનું લોકેશન જાણવા કે દરિયામાં જહાજની દિશા નક્કી કરવા માટે સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે.
વિશ્વના ઘણા દેશો અમેરિકાની GPS સિસ્ટમનો ઉપયોગ કરે છે. જોકે, ભારત હવે પોતાની ટેક્નોલોજીને વધુ વિકસાવી રહ્યું છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી નેવિગેશન સિસ્ટમ હોવી જરૂરી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારતીય સેનાને લોકેશન અને દિશાની ચોક્કસ માહિતી મેળવવા માટે અન્ય દેશોની સિસ્ટમ પર આધાર રાખવો ન પડે તે દિશામાં આ મિશન મહત્ત્વનું છે.
ત્રણ તબક્કામાં કામ કરે છે GSLV-F18 રોકેટ
GSLVનું પૂરું નામ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (Geosynchronous Satellite Launch Vehicle) છે. આ રોકેટનો ઉપયોગ ભારે ઉપગ્રહોને અંતરિક્ષમાં પહોંચાડવા માટે થાય છે. GSLV-F18 આ શ્રેણીની 20મી ઉડાન હતી.
રોકેટમાં ત્રણ તબક્કાની પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ થાય છે. પ્રથમ તબક્કામાં સોલિડ ફ્યુઅલ, બીજા તબક્કામાં લિક્વિડ ફ્યુઅલ અને ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક એન્જિન કામ કરે છે. આ એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે.
આ મિશનમાં રોકેટ દ્વારા NVS-03ને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં પહોંચાડવામાં આવ્યો છે. આ ભ્રમણકક્ષામાં સેટેલાઇટ પૃથ્વીથી સૌથી નજીક 170 કિલોમીટર અને સૌથી દૂર 37,023 કિલોમીટરના અંતરે રહેશે. આથી તેની ભ્રમણકક્ષા ગોળાકાર નહીં પરંતુ લંબગોળ હશે.
NVS-03માં સ્વદેશી એટોમિક ક્લોક સૌથી મોટી વિશેષતા
NVS-03 ભારતની નવી પેઢીની NavIC સિસ્ટમનો ત્રીજો સેટેલાઇટ છે. તેની મદદથી ભારતની નેવિગેશન સેવાઓની કાર્યક્ષમતા જાળવી રાખવા અને તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહમાં ભારતે વિકસાવેલી સ્વદેશી એટોમિક ક્લોક (Indigenous Atomic Clock) લગાવવામાં આવી છે. તેની સાથે વિદેશમાં બનાવવામાં આવેલી અન્ય એટોમિક ક્લોકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નેવિગેશન સિસ્ટમમાં સમયની ચોકસાઈ અત્યંત જરૂરી છે. સેટેલાઇટ દ્વારા મોકલવામાં આવતા સિગ્નલના સમયના આધારે મોબાઇલ કે અન્ય ઉપકરણનું ચોક્કસ સ્થાન નક્કી કરી શકાય છે. એટલા માટે એટોમિક ક્લોક આ સમગ્ર વ્યવસ્થાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ ઉપરાંત NVS-03માં L1 સિગ્નલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ NavICમાં L5 અને S-બેન્ડ સિગ્નલનો ઉપયોગ થતો હતો. નવા સિગ્નલના ઉમેરાથી અન્ય નેવિગેશન સિસ્ટમ સાથે તેની સુસંગતતા વધશે અને વધુ ઉપકરણોમાં NavICનો ઉપયોગ સરળ બનશે.
શું છે ભારતની પોતાની NavIC સિસ્ટમ?
NavICનું પૂરું નામ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન (Navigation with Indian Constellation) છે. આ ભારતની સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે, જે અમેરિકાની GPSની જેમ લોકેશન, દિશા અને સમયની માહિતી પૂરી પાડે છે. આ સિસ્ટમ ભારતના સમગ્ર ભૌગોલિક વિસ્તાર ઉપરાંત દેશની સરહદથી આશરે 1,500 કિલોમીટર બહારના વિસ્તારને પણ આવરી લેવા માટે તૈયાર કરવામાં આવી છે. NavICમાં બે પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ (Standard Positioning Service)નો ઉપયોગ સામાન્ય નાગરિકો કરી શકે છે. જ્યારે રિસ્ટ્રિક્ટેડ સર્વિસ (Restricted Service) ખાસ કરીને સુરક્ષા અને સરકારી કામગીરી માટે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સેનાથી લઈને ખેડૂતો અને માછીમારોને પણ થશે ફાયદો
NavICની ક્ષમતામાં વધારો થવાથી ભારતીય સેનાને વધુ ચોક્કસ નેવિગેશન સુવિધા મળી શકશે. ખાસ કરીને સુરક્ષા અને વ્યૂહાત્મક કામગીરીમાં પોતાની સેટેલાઇટ સિસ્ટમ હોવી ફાયદાકારક સાબિત થશે.
આ ઉપરાંત સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે. મોબાઇલ, કાર, ટ્રેન, જહાજ અને વિમાનમાં લોકેશનની માહિતી મેળવવા માટે આ સિસ્ટમ ઉપયોગી બની શકે છે. ખેતીમાં ડ્રોન દ્વારા કામ કરવું હોય, દરિયામાં માછીમારોને યોગ્ય દિશા બતાવવી હોય કે કુદરતી આફત દરમિયાન બચાવ કામગીરી કરવી હોય, આવા અનેક ક્ષેત્રોમાં NavICની મદદ મળી શકે છે.
શું GPSનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ જશે?
NVS-03ના સફળ પ્રક્ષેપણનો અર્થ એવો નથી કે હવે ભારતમાં GPSનો ઉપયોગ બંધ થઈ જશે. GPS અને NavIC બંને સિસ્ટમનો એકસાથે ઉપયોગ કરી શકાય છે. જોકે, પોતાની નેવિગેશન વ્યવસ્થા મજબૂત બનવાથી ભારતને લોકેશન અને સમય આધારિત સેવાઓ માટે વિદેશી સિસ્ટમ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. આ પ્રક્ષેપણ માત્ર એક સેટેલાઇટનું લોન્ચિંગ નથી, પરંતુ અંતરિક્ષ ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતને વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.
આ પણ વાંચો : શનિ દેવની બદલાશે ચાલ, 11 ડિસેમ્બરથી આ 3 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય!












