અમદાવાદઃ ઊંચા વળતરની લાલચ આપી કરોડોનો ચુનો ચોપડનારી શિક્ષિકા ઝડપાઈ, જાણો વિગતવાર

અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2025: અમદાવાદની ચાંદખેડા પોલીસે ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારી મહિલાની ઝડપી હતી. જિગીષા જાદવ નામની મહિલા શિક્ષિકા હોવાનું સામે આવ્યું હતું. જિગીષાએ ‘ગ્રો મની’ નામની એક બિન-રજિસ્ટર્ડ કંપની ખોલી હતી. તેણે લોકોને આ કંપનીમાં રોકાણ કરીને 20 થી 23 ટકા જેટલું ઊંચું વળતર કમાવવાની લાલચ આપી હતી. રોકાણકારોનો વિશ્વાસ જીતી શકાય તે માટે શરૂઆતમાં, તેણે થોડા સમય માટે વળતર પણ આપ્યું હતું.
આ રીતે, કુલ 37 લોકોએ તેની કંપનીમાં 2.43 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વિશ્વાસ બેસી ગયા પછી, જિગીષાએ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દીધું અને તેમના પૈસા પણ પાછા આપ્યા નહોતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, જિગીષાએ આશરે 40 થી 50 લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી હોવાની શક્યતા છે.
પોલીસે જિગીષાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, જિગીષાએ છેતરપિંડીથી કમાયેલા પૈસાથી સુરતમાં ચાર મકાન, જમીન અને દાગીના ખરીદ્યા છે. હવે, કાયદા મુજબ તેની આ મિલકતો જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જિગીષા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 25 લાખની છેતરપિંડીની ફરિયાદ અને સીઆઈડી ક્રાઈમમાં 6 કરોડની અરજી પણ નોંધાઈ છે. આગામી સમયમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ તેની સામે ફરિયાદો નોંધાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, જગતપુરમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેતા સપનાબેન પીઠડીયા ગાંધીનગર ઇન્ફોસીટીમાં નોકરી કરતા હતા. ત્યારે સાથીકર્મી જીગીશા જાદવ સાથે પરિચય થયો હતો. વર્ષ 2023માં જીગીશાએ સુરતમાં ગ્રો મની નામની ટ્રેડીંગ કંપની ચાલુ કરી હોવાનું જણાવીને ટ્રેડીંગના ત્રણ માસ સુધીના રોકાણમાં 20 ટકા જેટલો નફો આપતી હોવાની લોભામણી લાલચ આપી હતી. જો 25 લાખનું રોકાણ હોય તો 23 ટકા લેખે નફો આપવામાં આવતો હોવાની લાલચ આપી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદના આસિસ્ટન્ટ ટીડીઓ પાસેથી 67 લાખની અપ્રમાણસર મિલકત મળી, ACBએ ગુનો દાખલ કર્યો












