
West Bengal new government: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ હવે રાજ્યમાં નવી સરકાર રચાવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સૂત્રો મુજબ ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, જ્યારે અભિનેત્રી અને ભાજપ નેતા રૂપા ગાંગુલીને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત રાજ્યમાં બીજા એક નાયબ મુખ્યમંત્રી પણ હશે, જે દાર્જિલિંગ વિસ્તારના પુરુષ ધારાસભ્ય હશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ આજે સાંજે 5 વાગ્યે ત્રણેય નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
9 મેના રોજ કોલકાતામાં ભવ્ય શપથવિધિ
નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સમારોહને ભવ્ય બનાવવા માટે ભાજપ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત NDAના અનેક મોટા નેતાઓ હાજરી આપશે તેવી માહિતી સામે આવી છે.
સુવેન્દુ અધિકારી પાસે રહેશે ગૃહ મંત્રાલય
સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી બન્યા બાદ સુવેન્દુ અધિકારી રાજ્યના ગૃહ વિભાગનો કાર્યભાર પણ પોતાના પાસે જ રાખશે. કાયદો અને વ્યવસ્થા, રાજકીય હિંસા અને પ્રશાસનને લઈને ભાજપ સરકાર ખાસ ફોકસ કરશે તેવી ચર્ચા છે.
મમતાને હરાવી ભાજપને અપાવી ઐતિહાસિક જીત
સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પરથી હરાવીને રાજકીય ઇતિહાસ રચ્યો છે. ઉપરાંત તેઓ નંદીગ્રામ બેઠક પરથી સતત બીજી વખત વિજયી બન્યા છે. 2021ની ચૂંટણીમાં પણ તેમણે મમતાને કડક ટક્કર આપી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી 293 બેઠકોના પરિણામ જાહેર થયા હતા, જેમાં ભાજપે 207 બેઠકો જીતી ભવ્ય બહુમતી મેળવી હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સીમિત રહી ગઈ હતી. એક બેઠક પર ફરી મતદાન થવાનું બાકી છે.
અમિત શાહ અને સુવેન્દુએ કર્યા કાલી માતાના દર્શન
ચૂંટણી પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર સુવેન્દુ અધિકારીએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં બંને નેતાઓ એક જ કારમાં દક્ષિણેશ્વર કાલી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના દર્શન કરીને આરતીમાં ભાગ લીધો હતો. ભાજપ આ જીતને “બંગાળમાં પરિવર્તન” તરીકે રજૂ કરી રહી છે.
પરિણામ બાદ બંગાળમાં રાજકીય ગરમાવો
4 મે: ભાજપની ઐતિહાસિક જીત
4 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભાજપે પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. 293 બેઠકોમાંથી ભાજપને 207 બેઠકો મળી હતી.
5 મે: મમતાએ હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો
પરિણામ બાદ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. તેમણે ચૂંટણીમાં ષડયંત્ર અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા. મમતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સાથે મળીને તેમની ઘણી બેઠકો “લૂંટી” લેવામાં આવી છે.
6 મે: સુવેન્દુના PA ચંદ્રનાથ રથની હત્યા
ચૂંટણી પરિણામ બાદ રાજકીય તણાવ વચ્ચે 6 મેના રોજ સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માહિતી મુજબ, ચંદ્રનાથ રથ કોલકાતાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ડોલતલા વિસ્તારમાં હુમલાખોરોએ તેમની સ્કોર્પિયો કારને નિશાન બનાવી હતી. બાઈક પર આવેલા હુમલાખોરોએ 6થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ છાતી અને પેટમાં વાગતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
7 મે: સુવેન્દુનો ગંભીર આરોપ
ચંદ્રનાથ રથની હત્યા બાદ સુવેન્દુ અધિકારીએ સીધો રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મમતાને હરાવવાના કારણે મારા PAની હત્યા કરવામાં આવી છે. આ માત્ર વ્યક્તિ પર નહીં, પરંતુ લોકશાહી પર હુમલો છે.”
હાલ સમગ્ર પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના અને રાજકીય ઉથલપાથલને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપ આ જીતને રાજ્યમાં “નવી શરૂઆત” તરીકે રજૂ કરી રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ હજી પણ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહી છે.
આ પણ વાંચો: Vadodara: વિદ્યાર્થીનીના ‘હુમલા’ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પ્રેમ પ્રકરણનો ભાંડો ન ફૂટે એટલે પોતે જ રચ્યું આખું ષડયંત્ર












