CNGના ભાવમાં ફરી ભડકો! ગુજરાત એનર્જીએ પ્રતિ કિલોએ ₹5 વધાર્યા, વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક માર

ગુજરાતમાં CNG વાહનચાલકો માટે મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એનર્જી દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ સીધો ₹5નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારા સાથે CNGનો જૂનો ભાવ ₹88.76થી વધીને હવે ₹93.76 પ્રતિ કિલો થયો છે. અચાનક થયેલા આ ભાવવધારાને કારણે CNG વાહનચાલકોના ખિસ્સા પર વધુ ભાર પડશે.
CNGના ભાવ ₹88.76થી વધીને ₹93.76 પ્રતિ કિલો
ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર અનુસાર, અગાઉ CNG ગેસનો ભાવ પ્રતિ કિલો ₹88.76 હતો. હવે તેમાં ₹5નો વધારો કરવામાં આવતા નવો ભાવ ₹93.76 પ્રતિ કિલો થયો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચ વચ્ચે CNGના ભાવમાં થયેલા આ વધારાએ વાહનચાલકોની ચિંતા વધારી છે.
અદાણીના CNGના ભાવમાં પણ અગાઉ થયો હતો વધારો
આ અગાઉ 5 નવેમ્બર, 2026ના રોજ અદાણી દ્વારા પણ CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.30નો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ અદાણીના CNGના ભાવ ₹100.77 પ્રતિ કિલોને વટાવી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 23 ઓક્ટોબર, 2026ના રોજ અદાણીએ CNGના ભાવમાં એકસાથે ₹4થી વધુનો વધારો કર્યો હતો, જેના પગલે ભાવ વધીને ₹98.47 પ્રતિ કિલો થયો હતો.
રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ થઈ શકે છે વધારો
CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાની સીધી અસર રિક્ષા અને ટેક્સીચાલકો પર પડી શકે છે. ઇંધણનો ખર્ચ વધતા વાહનચાલકો મુસાફરીના ભાડામાં વધારો કરે તેવી શક્યતા છે. જો આવું થાય તો સામાન્ય મુસાફરોને પણ મોંઘવારીનો વધારાનો બોજ સહન કરવો પડી શકે છે.
એક તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ CNGના ભાવમાં થયેલા આ વધારાએ સામાન્ય નાગરિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.
આ પણ વાંચો: WhatsAppમાં બદલાશે ફોટો-વીડિયો શેર કરવાની રીત, Zaps ફીચર કરશે કમાલ












