અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

વસ્ત્રાપુરમાં પરિણીતાનું શંકાસ્પદ મોત: દહેજની માંગણીના આક્ષેપો, પોલીસ તપાસ શરૂ

અમદાવાદ 12 ઓક્ટોબર 2025: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ગઈ રાત્રે સાસરિયામાં ઝઘડો થયા બાદ પરણિતાએ આત્મહત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે સાસરિયાં પક્ષ દ્વારા મૃતદેહને એક ખાનગી હોસ્પિટલમાં મૂકીને ફરાર થઈ ગયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

મૃતક પરણિતાના પરિવારજનોએ આ મોત પાછળ દહેજ અને શારીરિક-માનસિક ત્રાસને જવાબદાર ગણાવ્યો છે. પરિવારના આક્ષેપ મુજબ, દોઢ વર્ષના લગ્નગાળામાં સાસરિયાંને આશરે 9 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જમાઈ દિલીપ ભરવાડે સગાઈ બાદ ‘થાર કાર’ લેવા માટે પૈસાની માંગણી કરી હતી. પરિવારનો એવો પણ આક્ષેપ છે કે સાસરિયાં દ્વારા વારંવાર પૈસા અને સોનાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં, પરણિતાની તબિયત ખરાબ હોવાથી રવિવારે પિયર પક્ષના 30 થી 40 લોકો તબિયત પૂછવા આવવાના હતા, જેમના ખર્ચની પણ જમાઈ તરફથી માંગ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પરિણીતાના શંકાસ્પદ મોત મામલે તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહનું સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જે બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. વસ્ત્રાપુર પોલીસે હાલ સાસરિયાં પક્ષના જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

જોકે, મૃતકના પરિવારે આ બનાવને હત્યા ગણાવીને ઉગ્ર માંગણી કરી છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પોલીસ દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં નહીં આવે અને તેમની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ દીકરીનો મૃતદેહ સ્વીકારશે નહીં. દહેજના રાક્ષસી રિવાજને કારણે એક યુવતીનો ભોગ લેવાયો હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે, અને પોલીસની નિષ્પક્ષ અને સત્વરે કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. 

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફના ધમકી પર ચીને પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમે ટેરિફથી ડરતા નથી.”

Back to top button