ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત: 7 વર્ષના મૃત દીકરાને ખભે ઊંચકીને ચાલી નીકળ્યા પિતા, વીડિયો વાયરલ

સુરત, 24 જાન્યુઆરી 2026: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે એક કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. એક પિતાએ પોતાના 7 વર્ષના મૃત પુત્રના મૃતદેહને ખભા પર ઊંચકીને હોસ્પિટલના પરિસરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પિતાની અસહ્ય વેદના અને આઘાત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, પીડિત પિતા સરોજ બિહારના વતની છે અને તેઓ લગભગ ચાર મહિના પહેલા કામની શોધમાં સુરત આવ્યા હતા. તેઓ ભટાર વિસ્તારના ખોડીયારનગરમાં રહે છે અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 7 વર્ષના પુત્ર કિશનને લાંબા સમયથી ખેંચની બીમારી હતી. ગુરુવારે રાત્રે અચાનક તેની તબિયત બગડી અને રાત્રિ દરમિયાન જ તેનું મોત થયું હતું. પરંતુ પુત્રના મોતથી આઘાતમાં આવેલા પિતા સવારે કિશનને સારવાર મળશે તેવી આશા સાથે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ડોક્ટરોએ કિશનને તપાસીને મૃત જાહેર કર્યો. આ સમાચાર સાંભળતા જ પિતા ભાન ભૂલી ગયા હતા. તેઓએ સૂધબૂધ ગુમાવી અને મૃતદેહને ખભા પર ઊંચકીને હોસ્પિટલના મુખ્ય દ્વાર તરફ ચાલવા લાગ્યા. તેઓ લગભગ અડધો કિલોમીટર જેટલું ચાલ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલના સ્ટાફ, સિક્યુરિટી અને ત્યાં હાજર અન્ય લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

સ્ટાફે તરત જ પિતાને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને સમજાવવાનું શરૂ કર્યું. કાયદાકીય પ્રક્રિયા અનુસાર મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી હોવાનું જણાવ્યું. પરંતુ પિતા અને પરિવાર આ માટે તૈયાર નહોતા. લગભગ એક કલાકની સમજાવટ અને કાઉન્સિલિંગ પછી પરિવારની સંમતિ મેળવીને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. જોકે, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં, કારણ કે પરિવાર તેની વિરુદ્ધ હતો.

 

View this post on Instagram

 

A post shared by scroll.surat (@scroll.surat)

આ ઘટનાએ હોસ્પિટલના સ્ટાફ અને ત્યાં હાજર લોકોને ગમગીન કરી દીધા છે. પિતાની આ વેદના જોઈને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો આ ઘટના પર સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, શક્તિસિંહ ગોહિલના ભત્રીજા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ

Back to top button