લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવાર પર કાળ બનીને આવી અર્ટિગા કાર, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત, 6 વર્ષનો માસૂમ બન્યો નિરાધાર

Surat Accident: સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આવેલા ભોરીયા ગામની સીમમાં રવિવારે (19 એપ્રિલ) સાંજે એક ભયાનક માર્ગ અકસ્માતે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. પૂરપાટ ઝડપે આવતી એક અર્ટિગા કારે લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી. આ ટક્કરમાં પરિવારના ત્રણ સભ્યોનું ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં મોત નીપજ્યું છે, જ્યારે નાનો માસુમ વેદ ગંભીર રીતે ઘવાયો છે.
કેવી રીતે બની ઘટના?
સાંબા ગામના મેડિયા ફળિયાના વતની સતીષભાઈ પટેલના પુત્ર આશિષ પટેલ (31 વર્ષ), તેમની પત્ની પારુલબેન (26 વર્ષ), માતા ઉષાબેન (60 વર્ષ) અને 6 વર્ષનો પુત્ર વેદ, આ ચારેય એક જ મોટરસાઇકલ પર સવાર થઈને ડોલવણ તાલુકાના પાટી ગામે લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા.
ભોરીયા ગામ નજીક પહોંચતાં જ પુરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા કારે તેમની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક હવામાં ફંગોળાઈ ગયું અને બાઇક પર સવાર પરિવાર લોહીથી લથપથ થઈ ગયો.
ત્રણના કરુણ મોત
આ દુર્ઘટનામાં આશિષ પટેલ અને તેમની માતા ઉષાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર ઇજાગ્રસ્ત પારુલબેનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા. આમ, એક જ પરિવારના સાસુ-વહુ અને પુત્રનું એકસાથે નિધન થતાં આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
માસૂમ વેદની સ્થિતિ
આ અકસ્માતમાં સૌથી વધુ કરુણ સ્થિતિ 6 વર્ષના વેદની છે. તેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પળવારમાં માતા-પિતા અને દાદીને ગુમાવી દેનાર આ નાનકડો બાળક હજુ આ મોટી ત્રાસદીથી અજાણ છે. પરિવારજનો અને સ્થાનિકો તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનાવલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા સહિતની કલમો હેઠળ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. કારચાલકની ધરપકડ અને વધુ તપાસ ચાલુ છે.
આ પ્રકારના અકસ્માતો વારંવાર બનતા હોવા છતાં લોકોમાં વાહન ચલાવવાની અસાવધાની અને અતિઝડપને કારણે આવી દુર્ઘટનાઓ થતી જ રહે છે. પરિવારજનો કારચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, રિક્ષાને ટક્કર મારી BMWનો ચાલક ફરાર, AMTSમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ












