ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

હોર્મુઝ સ્ટ્રેટ: વિશ્વના તેલના પ્રવાહનો મહત્વપુર્ણ માર્ગ, ઈરાન બંધ કરે તો ભારત અને વિશ્વને શું અસર થશે?

Strait Of Hormuz: ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલા પછી મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આવી સ્થિતિમાં વૈશ્વિક સ્તરે ઊર્જા સપ્લાય અને વેપાર માર્ગોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. ખાસ કરીને તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચર્ચા તેજ બની છે.

હોર્મુઝ સ્ટ્રેટ શું છે?

પર્સિયન ગલ્ફ અને ઓમાન ગલ્ફને જોડતો હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સમુદ્રી માર્ગોમાંનો એક છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ સાંકડો માર્ગ માત્ર 33 કિલોમીટર પહોળો છે, જ્યારે જહાજો માટેની અવરજવર લેન માત્ર લગભગ 3 કિલોમીટર જેટલી જ છે.

Explained: What is the Strait of Hormuz and why it is vital for oil trade | World News - Business Standard

આ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફના તેલ-સમૃદ્ધ દેશોને સીધા વૈશ્વિક બજારો સાથે જોડે છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) મુજબ 2024–25 દરમિયાન અહીંથી દરરોજ 2 કરોડ બેરલથી વધુ તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પસાર થાય છે. આ વિશ્વના કુલ તેલ વપરાશના અંદાજે 20% અને સમુદ્રી તેલ વેપારના લગભગ 27% જેટલો હિસ્સો દર્શાવે છે, જે આ માર્ગને વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે.

સરળ રીતે સમજીએ તો, જેમ તમારા ગળામાંથી ખોરાક પસાર થાય છે અને જો કંઈક અટવાઈ જાય તો શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય, તેમ જ આ સ્ટ્રેટ વિશ્વના તેલનું “ગળું” છે. જો ઈરાને આને બંધ કરી દીધું તો તેલનો પ્રવાહ અટકી જાય, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જાય, વિશ્વની અર્થવ્યવસ્થા હાંફી જાય. તેથી નિષ્ણાતો તેને “વિશ્વનું તેલી ગળું” કહે છે. એક નાનકડો ખાંચો, પણ તેના પર આખી દુનિયાની ઊર્જા અને અર્થતંત્ર આધારિત છે.

3000 વર્ષનો ઇતિહાસ

આ હોર્મુઝ સ્ટ્રેટની ભૂગોળ છેલ્લા 3000 વર્ષથી લગભગ એકસરખી જ છે. કુદરતે તેને આ સાંકડા રૂપમાં જ જાળવી રાખી છે. પ્રાચીન કાળમાં આ વિસ્તાર “હોર્મુઝ કિંગડમ” તરીકે પ્રસિદ્ધ હતો. ઝોરાસ્ટ્રિયન પરંપરા અનુસાર અહીં પ્રાચીન વેપારી માર્ગો હતા, જ્યાંથી મસાલા, સોનું, કાપડ અને અન્ય માલનો વેપાર થતો હતો. 16મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓએ આ સ્ટ્રેટને કબજે કરી લીધો હતો. ત્યારથી તે વેપારી રસ્તા તરીકે વધુ મહત્વનું બન્યું. પરંતુ આ સ્ટ્રેટનું આધુનિક અને વૈશ્વિક મહત્વ તો 1970ના દાયકાથી વધ્યું, જ્યારે પર્સિયન ગલ્ફમાં તેલનું ઉત્પાદન ઝડપથી વધી ગયું.

1980થી 1988 સુધી ચાલેલા ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન અહીં “ટેન્કર વોર” નામની લડાઈ થઈ. બંને દેશોએ એકબીજાના તેલ વહન કરતા જહાજો પર હુમલા કર્યા હતા. ત્યારથી ઈરાન સમયાંતરે રાજકીય અને સૈન્ય તણાવ વધે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી આપતું આવ્યું છે. આવી ચેતવણીઓ ખાસ કરીને અમેરિકા અને પશ્ચિમી દેશો સાથેના તણાવ દરમિયાન વારંવાર સામે આવી છે, જોકે અત્યાર સુધી આ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી.

ભૂગોળીય રીતે આ સ્ટ્રેટને પહોળું કરવું લગભગ અશક્ય છે. ઈરાન તરફ ઝાગ્રોસ પર્વતો છે, જ્યારે ઓમાન તરફ કોરલ રીફ અને મોટા ખડકો છે. જો તેને પહોળું કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો સમુદ્રી પ્રાણીઓ, કોરલ રીફ અને આસપાસના મોટા શહેરો જેમ કે દુબઈ અને દોહાને ભારે પર્યાવરણીય નુકસાન થઈ શકે છે.

કેટલા દેશોનો માલ અહીંથી પસાર થાય છે?

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે સાઉદી અરબ, યુએઈ, ઈરાક, કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશોના મોટાભાગનું તેલ વિશ્વના બજારો સુધી પહોંચે છે. અહીંથી પસાર થતું લગભગ 80 થી 90 ટકા તેલ એશિયાના દેશો ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા તરફ જાય છે, જે આ માર્ગની એશિયા માટેની મહત્વતા દર્શાવે છે.

કતાર જેવા દેશ માટે તો આ માર્ગ જીવનરેખા સમાન છે, કારણ કે તેના એલએનજીનો મોટો હિસ્સો (અંદાજે 20 ટકા) આ જ માર્ગે વિશ્વમાં સપ્લાય થાય છે. કુલ મળીને દરરોજ પસાર થતા આશરે 2 કરોડ બેરલ તેલમાં સાઉદી અરબનો સૌથી મોટો હિસ્સો (લગભગ 5.5 મિલિયન બેરલ) છે, જ્યારે યુએઈ અને અન્ય ગલ્ફ દેશો પણ મોટું યોગદાન આપે છે. ભારત માટે આ સ્ટ્રેટ ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશની કુલ ક્રુડ ઓઇલ આયાતમાં અંદાજે 40 થી 50 ટકા હિસ્સો ગલ્ફ દેશોમાંથી આવે છે. તેથી અહીં કોઈપણ અવરોધ સીધો ભારતના ઈંધણના ભાવ અને અર્થતંત્ર પર અસર કરી શકે છે.

સુરક્ષા વ્યવસ્થા શું છે?

આ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે અમેરિકાની ફિફ્થ ફ્લીટ બહરીનમાં સ્થાયી રીતે તૈનાત છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને અન્ય અનેક દેશોના યુદ્ધ માટેના મોટા જહાજો (યુદ્ધકપો) અહીં દિવસ-રાત પેટ્રોલિંગ કરે છે. આ આંતરરાષ્ટ્રીય દળો સાથે મળીને તેલ વહન કરતા જહાજોને સુરક્ષિત રાખવાની મજબૂત વ્યવસ્થા કરે છે. પરંતુ બીજી બાજુ ઈરાન પાસે પણ ખૂબ જ શક્તિશાળી હથિયારો છે. તેની પાસે હજારો માઇન્સ, કિલો-ક્લાસ સબમરીન્સ, અદ્યતન ડ્રોન્સ, મિસાઇલ્સ અને ઝડપી સ્પીડબોટ્સનો મોટો સંગ્રહ છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એક જ દિવસમાં આ સ્ટ્રેટને સંપુર્ણપણે બંધ કરી શકે છે.

Why Military Force Can't Reopen Strait of Hormuz

સ્ટ્રેટ બંધ કરવાથી ઈરાનને શું ફાયદો?

હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન માટે એક મોટું વ્યૂહાત્મક હથિયાર છે. જો ઈરાન આ સ્ટ્રેટ બંધ કરે તો તેને કેટલાક મોટા ફાયદા થઈ શકે છે. તેનાથી તે અમેરિકા અને ઇઝરાયેલ પર દબાણ બનાવી શકે છે, વિશ્વમાં તેલના ભાવ વધારીને પોતાના વિરોધીઓને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે અને પોતાની સત્તા તેમજ વાટાઘાટોની તાકાતને મજબૂત કરી શકે છે.

પરંતુ આ નિર્ણયની એક મોટી કિંમત પણ ઈરાને ચૂકવવી પડી શકે છે. જો ઈરાન આ સ્ટ્રેટ બંધ કરે તો આ તેની આર્થિક આત્મહત્યા કહી શકાય. કારણ કે ઈરાન પોતે પણ આ જ સ્ટ્રેટમાંથી તેલની નિકાસ કરે છે અને તેના કુલ તેલ નિકાસમાં ચીનનો હિસ્સો લગભગ 90 ટકા છે. જો સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહે તો ઈરાનની પોતાની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન થઈ શકે છે.

ભારતને શું અસર?

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે અને તેની કુલ તેલ આયાતમાં મોટો હિસ્સો આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ આવે છે. જો આ સ્ટ્રેટ બંધ થાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ 10થી 20 ટકા સુધી વધી શકે છે. આનાથી દેશમાં મોંઘવારી વધે, ઉદ્યોગોને મોંઘું તેલ મળે અને રૂપિયો વધુ નબળો પડી શકે છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભારતે રશિયા, અમેરિકા, આફ્રિકા અને લેટિન અમેરિકાથી તેલ આયાત વધારી છે, પરંતુ આ તેલ વધુ મોંઘું હોય છે અને તેને લાવવામાં વધુ સમય પણ લાગે છે. સારી વાત એ છે કે ભારતે પહેલેથી જ તેલના સ્ત્રોતોમાં વિવિધતા વધારવાનું (ડાયવર્સિફિકેશન) શરૂ કરી દીધું છે, તેમ છતાં તાત્કાલિક અસર અનિવાર્ય છે.

Explained: Strait of Hormuz Crisis And Its Impact on India

વિશ્વને શું અસર?

જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય તો વિશ્વભરમાં તેલના ભાવમાં તીવ્ર વધારો થશે. આનાથી વૈશ્વિક ફુગાવો વધી શકે છે, સ્ટોક માર્કેટમાં મોટો ક્રેશ આવી શકે છે અને ખાસ કરીને ચીન તેમજ યુરોપમાં ઊર્જા સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત સાઉદી અરબ અને યુએઈ જેવા મુખ્ય તેલ નિકાસકાર દેશો પણ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે સંઘર્ષમાં ઉતરી શકે છે. વિકલ્પ રૂપે પાઈપલાઈનનો રસ્તો છે, પરંતુ હાલ તેમની ક્ષમતા બહુ મર્યાદિત છે. સાઉદી અરબ પાસે લગભગ 5 મિલિયન બેરલ પ્રતિ દિવસ અને યુએઈ પાસે આશરે 1.5 મિલિયન બેરલ પ્રતિ દિવસની જ ક્ષમતા છે, જે વૈશ્વિક માંગ સામે નાની પડે છે.

એક અંદાજ મુજબ, આ પ્રકારનું સંકટ વૈશ્વિક અર્થતંત્રને લગભગ 2.2 ટ્રિલિયન ડોલર (અંદાજે 180 લાખ કરોડ) જેટલું મોટું જોખમ ઊભું કરી શકે, એટલે કે એક જ ઝટકામાં દુનિયાની અર્થવ્યવસ્થાને જોરદાર આંચકો લાગી શકે.

હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એક નાનકડો સમુદ્રી ખાંચો નથી, તે વિશ્વની અર્થવ્યવસ્થાનું હૃદય છે. ઈરાન વારંવાર ધમકીઓ આપે છે, પરંતુ તેને વાસ્તવમાં બંધ કરવું તેના માટે પણ ખૂબ જોખમી છે. ભારત સહિત આખું વિશ્વ હવે આ સ્ટ્રેટ પર નજર રાખીને બેઠું છે. આ સંકટ કેટલું લાંબું ચાલશે અને દુનિયા પર કેટલી અસર કરશે તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર : રિપોર્ટમાં દાવો

Back to top button