ત્રણ દિવસમાં જાહેરાત બંધ કરાવો… બાબા રામદેવવી પંતજલિ આયુર્વેદ પર કોર્ટનું આકરૂ વલણ

નવી દિલ્હી: 11 નવેમ્બર, 2025: Baba Ramdeva: યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદને દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે પતંજલિના ચ્યવનપ્રાશની એ જાહેરાતને પ્રસારિત કરવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે, જેમાં અન્ય તમામ ચ્યવનપ્રાશ બ્રાન્ડને ‘ધોખા’ (છેતરપિંડી કે કપટ) કહેવામાં આવ્યા હતા.
જસ્ટિસ તેજસ કરિયાએ ડાબર ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ પતંજલિ આયુર્વેદ લિમિટેડના કેસની સુનાવણી કરતા મંગળવારે સોશિયલ મીડિયા કંપનીઓ, OTT પ્લેટફોર્મ્સ અને અન્ય પ્રસારકોને ત્રણ દિવસની અંદર આ વિવાદિત જાહેરાતને રોકવાનો આદેશ આપ્યો છે.
જાહેરાત હટાવવા માટે 3 દિવસનો સમય
જસ્ટિસ કરિયાએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે, “પ્રતિવાદી (પતંજલિ) રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલો, OTT પ્લેટફોર્મ્સ કે કોઈપણ પ્રકારની સ્ટ્રીમિંગ સિસ્ટમ, અને પ્રિન્ટ માધ્યમો અને વર્લ્ડ વાઇડ વેબ/ઇન્ટરનેટ પર પ્લેટફોર્મ, સમાચારપત્રો અને તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સહિત તમામ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી વિવાદિત જાહેરાતને ત્રણ દિવસની અંદર દૂર કરે, બ્લોક કરે અથવા નિષ્ક્રિય કરી દે.”
ડાબર ઇન્ડિયાના મુખ્ય આરોપો
હાઇકોર્ટની સિંગલ બેન્ચે ડાબર ઇન્ડિયાની અરજી પર આ આદેશ આપ્યો, જેમાં પતંજલિ સ્પેશિયલ ચ્યવનપ્રાશની તાજેતરની ટેલિવિઝન જાહેરાતને અપમાનજનક અને ગેરવાજબી ગણાવવામાં આવી હતી.
જાહેરાતમાં શું હતું?
ડાબરની અરજી મુજબ, જાહેરાતમાં બાબા રામદેવ ગ્રાહકોને ચેતવણી આપતા જોવા મળ્યા હતા કે, ચ્યવનપ્રાશના નામે મોટાભાગના લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. જાહેરાતમાં અન્ય ચ્યવનપ્રાશ બ્રાન્ડ્સને ‘ધોખા’ કહીને, માત્ર પતંજલિના ઉત્પાદનને જ ‘આયુર્વેદની અસલી શક્તિ’ આપનારો એકમાત્ર સાચો ચ્યવનપ્રાશ ગણાવાયો હતો.
ડાબરનો આરોપ
ડાબરે આરોપ લગાવ્યો કે, આ જાહેરાત જાણી જોઈને તેના મુખ્ય ઉત્પાદન ‘ડાબર ચ્યવનપ્રાશ’ને બદનામ કરે છે, જે 1949થી બજારના 61%થી વધુ ભાગો પર પ્રભુત્વ ધરાવે છે. ડાબરે દલીલ કરી કે, પતંજલિનો આ સંદેશ સંપૂર્ણ ચ્યવનપ્રાશ શ્રેણીનું અપમાન છે, જેનાથી આયુર્વેદ-આધારિત હેલ્થ સપ્લીમેન્ટ્સમાં લોકોનો વિશ્વાસ ઓછો થાય છે.
‘ધોખા’નો અર્થ ‘સાધારણ’ નથી: કોર્ટ
અગાઉની સુનાવણીમાં કોર્ટે પતંજલિ આયુર્વેદને સવાલ કર્યો હતો કે, તે અન્ય ચ્યવનપ્રાશ ઉત્પાદનોને ‘ધોખા’ કેવી રીતે કહી શકે? જસ્ટિસ કરિયાએ કહ્યું હતું કે, “તમે દાવો કરી શકો છો કે તમે શ્રેષ્ઠ છો, પરંતુ તમે અન્યને ‘ધોખા’ ન કહી શકો, જેનો અર્થ ‘છેતરપિંડી અને કપટ’ થાય છે.”
પતંજલિના વકીલે દાવો કર્યો હતો કે ‘ધોખા’ શબ્દથી બાબા રામદેવનો અર્થ ‘સાધારણ’ છે, જેને કોર્ટે સ્વીકાર્યો નહોતો. કોર્ટે અંતિમ નિર્ણયમાં માન્યું કે આ જાહેરાત સંપૂર્ણ ચ્યવનપ્રાશ ઉત્પાદનોની શ્રેણીનું અપમાન કરવાનો પ્રયાસ છે.
આ પણ વાંચોઃ હવે જજની પરવાનગી વિના નહીં થાય સુનાવણીની લાઇવ સ્ટ્રીમિંગ, બોમ્બે હાઇકોર્ટનો નિર્ણય
આ પણ વાંચોઃ નવસારીના બીલીમોરામાં બિશ્નોઈ ગેંગના 4 શાર્પશૂટરો અને SMC ટીમ વચ્ચે ગોળીબાર; એક આરોપી ઘાયલ, 4ની ધરપકડ












