
Asian Champions Trophy 2026 India vs South Korea Semi final: ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને 2026 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બુધવાર, 4 નવેમ્બરના રોજ મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ કોરિયાને 8-1 ના જંગી અંતરથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઇન્ડિયાએ સાતમી વખત આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમે આક્રમક રમત દાખવીને કોરિયાના ડિફેન્સને વેરવિખેર કરી નાખ્યું હતું.
સાત ખેલાડીઓના આક્રમણથી કોરિયા ધ્વસ્ત
ભારત તરફથી સ્ટાર ફોરવર્ડ શિલાનંદ લાકરા (ચોથી અને 13 મી મિનિટ) તેમજ દિલપ્રીત સિંહે (21 મી અને 25 મી મિનિટ) 2-2 દમદાર ગોલ કરીને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ (9 મી મિનિટ), સુખજીત સિંહ (21 મી મિનિટ), અંગદ બીર (36 મી મિનિટ) અને વિવેક સાગર (54 મી મિનિટ) એ 1-1 ગોલ નોંધાવ્યો હતો. ભારતીય ખેલાડીઓના આક્રમણ સામે કોરિયન ગોલકીપર અને ડિફેન્ડર્સ સાવ લાચાર નજરે પડ્યા હતા.
પ્રથમ ક્વાર્ટરથી જ ગોલનો વરસાદ
સેમિફાઇનલ મુકાબલાની શરૂઆતથી જ ભારતીય ટીમે દબાણ બનાવી દીધું હતું. મેચની ચોથી મિનિટે શિલાનંદ લાકરાએ ભારતનું ખાતું ખોલ્યું હતું. જોકે, નવમી મિનિટે દક્ષિણ કોરિયાના સંજુન હાને ગોલ કરીને સ્કોર 1-1 થી બરાબર કર્યો હતો. પરંતુ તેના પછીની જ સેકન્ડોમાં નવમી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર મારફતે ભારતને 2-1 ની લીડ અપાવી દીધી હતી. ત્યારબાદ 13 મી મિનિટે શિલાનંદે પોતાનો બીજો ગોલ કરીને પ્રથમ ક્વાર્ટરના અંતે સ્કોર 3-1 કરી દીધો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગુરુવારે રમાશે ફાઇનલનો જંગ
બીજા ક્વાર્ટરમાં ભારતે વધુ 3 ગોલ ઝીંક્યા હતા. 21 મી મિનિટે સુખજીત સિંહ અને દિલપ્રીત સિંહે ગોલ કર્યા, જ્યારે 25 મી મિનિટે દિલપ્રીતે વધુ એક ગોલ ઉમેરીને હાફ ટાઇમ સુધી સ્કોર 6-1 સુધી પહોંચાડી દીધો હતો. ત્રીજા ક્વાર્ટરની 36 મી મિનિટે અંગદ બીરે ગોલ કરીને સ્કોર 7-1 કર્યો અને ચોથા ક્વાર્ટરની 54 મી મિનિટે વિવેક સાગરે આઠમો ગોલ કરીને 8-1 થી વિજય સુનિશ્ચિત કર્યો હતો. હવે ટુર્નામેન્ટની ફાઇનલ આવતીકાલે, ગુરુવાર, 5 નવેમ્બરના રોજ મોહાલીના સ્ટેડિયમમાં જ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે રમાશે. ભારતીય ટીમ એક પણ મેચ હાર્યા વગર અણનમ રહીને ટાઇટલ મેચમાં પહોંચી છે.
આ પણ વાંચો: સચિનનો રેકોર્ડ તૂટ્યો, ODI રન ચેઝના નવા બાદશાહ બન્યા વિરાટ કોહલી!












