સચિનનો રેકોર્ડ તૂટ્યો, ODI રન ચેઝના નવા બાદશાહ બન્યા વિરાટ કોહલી!
Viral Kohli : વનડે ક્રિકેટમાં ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનો (Viral Kohli) જલવો સતત જોવા મળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ODI મેચમાં તેમણે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. વિરાટ કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડીને વનડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે.
4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન વનડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે તેમના રનનો આંકડો 8,741 પર પહોંચી ગયો હતો. આ સાથે તેમણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા હતા. સચિને રન ચેઝ દરમિયાન કુલ 8,720 રન બનાવ્યા હતા. હવે આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે નોંધાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સચિન કરતાં ઓછી ઇનિંગ્સમાં હાંસલ કર્યો મોટો રેકોર્ડ
વિરાટ કોહલીએ 180 મેચની 169 ઇનિંગ્સમાં 8,741 રન બનાવ્યા છે. જ્યારે સચિન તેંડુલકરને 8,720 રન સુધી પહોંચવા માટે 242 મેચની 232 ઇનિંગ્સ રમવી પડી હતી. સરેરાશની વાત કરીએ તો આ મામલે પણ કોહલી સચિન કરતાં આગળ છે. લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટની બેટિંગ એવરેજ 66.21 છે, જ્યારે સચિનની એવરેજ 42.33 હતી.
| રેકોર્ડ | વિરાટ કોહલી | સચિન તેંડુલકર |
|---|---|---|
| રન | 8,741 | 8,720 |
| મેચ | 180 | 242 |
| ઇનિંગ્સ | 169 | 232 |
| સરેરાશ | 66.21 | 42.33 |
| સદી | 30 | 17 |
| અડધી સદી | 46 | 52 |
| સ્ટ્રાઇક રેટ | 95.03 | 88.44 |
લક્ષ્યનો પીછો કરતી વખતે કોહલી અત્યાર સુધી 30 સદી અને 46 અડધી સદી ફટકારી ચૂક્યા છે. બીજી તરફ સચિનના નામે 17 સદી અને 52 અડધી સદી નોંધાયેલી છે. સ્ટ્રાઇક રેટમાં પણ કોહલી 95.03 સાથે સચિનના 88.44 કરતાં આગળ છે.
વિદેશી ધરતી પર પણ અડધી સદીઓની અડધી સદી પૂરી કરી
ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં વિરાટ કોહલીએ વધુ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તેમણે વિદેશી ધરતી પર વનડે ક્રિકેટમાં 50મી વખત 50 કે તેથી વધુ રનની ઇનિંગ રમી હતી. આ તેમની 128મી વિદેશી ODI મેચ હતી. આ દરમિયાન તેમના નામે 21 સદી અને 29 અડધી સદી નોંધાઈ છે.
આ પણ વાંચો: સોનમ વાંગચુકની સ્કૂલને નોટિસ, ક્લાસ એક્ટિવિટી રોકવાનો આદેશ!
ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
મેચની વાત કરીએ તો વરસાદના કારણે આ મુકાબલો પ્રભાવિત થયો હતો. ડકવર્થ-લુઈસ (DLS) નિયમ હેઠળ ભારતને 32 ઓવરમાં 143 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 113 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ગિલે 37 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ 74 રનની ઇનિંગ રમીને પોતાની 80મી ODI અડધી સદી પૂરી કરી હતી. ભારતીય ટીમે 22.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને 5 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારતે પાંચ મેચની વનડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.












