ગુજરાતટોપ ન્યૂઝ

હજ્જારો કરોડોનું કૌભાંડ! ભારતનો સૌથી મોટો બાયો-ડીઝલનો કૌભાંડી ઝડપાયો

– બનાસકાંઠા એસપીની દેખરેખ હેઠળ પોલીસ અધિકારીઓએ આરોપીને દબોચ્યો
– આરોપી સંતોષ દુબઈ નાસી જવાના ફિરાકમાં હતો
– પકડાયેલા આરોપીએ ભારતનાં મોટાભાગના રાજ્યોમાં પણ આચર્યું છે કૌભાંડ

ગુજરાતનાં બનાસકાંઠા, કચ્છ સહિતના તેમજ ભારત દેશના અનેક રાજ્યોનાં નાના મોટા વેપારીઓ પાસેથી ‘માય ઈકો એનર્જી’ નામની બાયો-ડીઝલ નામની કંપની પંપ શરૂ કરવા માટે વેપારી દીઠ 10થી 50 લાખ રૂપિયા ડિપોઝિટ ઉઘરાવી તેમજ આંખો આંજનારી સ્કીમો બનાવી ગ્રાહકોને છેતરવા સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યોમાં અદ્યતન ઓફિસો બનાવી હતી. ત્યાર બાદ પંપ શરૂ ન કરી તેમજ મુંબઈ અને પુનામાં રજીસ્ટર્ડ ઓફિસ ધરાવતી આ ફ્રોડ કંપનીનો ગુજરાતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને બનાસકાંઠા એસપીની દેખરેખ હેઠળ પોલીસ અધિકારીની ટીમે દબોચી લીધો હતો. મહત્વની વાત એ છે કે, આરોપી દુબઈ ભાગી જવાના ફિરાકમાં હતો.

> મુખ્ય આરોપીને દુબઈ જતાં પોલીસે દબોચ્યો

પોલીસ સુત્રો પ્રમાણે, ભારતનો સૌથી મોટો બાયો-ડીઝલનો કૌભાંડી સંતોષ સત્યનારાયનારાજુ અલ્લુરી વર્માને બનાસકાંઠા પોલીસે દુબઈ ભાગી જાય તે પહેલાં જ દબોચી લીધો છે. પકડાયેલા આરોપીએ ભારતનાં મોટાભાગના રાજ્યોમાં કરોડનું કૌભાંડ આચર્યું છે અને આ કૌભાંડ થકી આરોપીએ દુબઈમાં હજારો કરોડની પ્રોપર્ટીઓ વસાવી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ આરોપી વિરૂદ્ધ એ તમામ રાજ્યોમાં FIR પણ નોંધાઈ છે. આ આરોપી પકડાતા ગુજરાતના વેપારીઓના ગયેલા કરોડ રૂપિયા પરત મળશે કે નહીં તે ફરીથી સવાલ ઊભા થયા છે. આ સાથે વધુ એક મુખ્ય આરોપી સારિકા શિંદે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેની ભૂમિકા આ કેસમાં મોટા પાયે મની લોન્ડ્રિંગની હોવાનું સામે આવી રહ્યું છે.

> FIR થયાના 6 વર્ષથી વધુ સમય બાદ આરોપી ઝડપાયો

બાયો-ડીઝલનો મુખ્ય કૌભાંડી પકડાતા આમ તો ગુજરાત સહિતના દેશભરના નાના-મોટા વેપારીઓએ રાહતના શ્વાસ લીધા છે. આ આરોપી FIR થયાને 6.5 વર્ષથી વધુનો સમય થયો હોવાથી તપાસ અધિકારી વિરૂદ્ધ શંકાઓ પણ ઉદભવી હતી. તેમજ અગાઉ વેપારીઓએ પોલીસની શંકાસ્પદ કાર્યવાહીનો વિરોધ પણ દર્શાવ્યો હતો. પરંતુ ઘણાં સમય બાદ બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુંબે કાયદાની કડક અમલવારી તેમજ જિલ્લામાં આરોપીઓ વિરુદ્ધ જીરો ટોલરન્સની નીતિની અને સ્પષ્ટતાને લઈને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસ દ્વારા દિવસ રાત એક કરી મુખ્ય આરોપીને પકડી પડાતા વેપારીઓના વિરોધનો મોટે ભાગે અંત આણ્યો છે.

> કંપનીએ બાયો-ડીઝલ પંપ ખોલવા મોટી મોટી જાહેરાતો કરી હતી

ગુજરાતમાં ‘માય ઈકો એનર્જી’ નામની કંપનીઓ બાયો-ડીઝલ પંપ ખોલવા માટે મોટી-મોટી જાહેરાતો કરી હતી. આ જાહેરાતોને કારણે અસંખ્ય લોકોએ કંપનીને પંપ માટે ડિપોઝીટ પેટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ કંપનીના સંચાલકોએ કંપનીના ડિરેક્ટર સચિન સાહેબ્રાહો સહિત જયંત જગન્નાથ, સારિકા શિંદે, કિશોર ગાયકવાડ, માનસ સંપતરાય, વિકાસ રાય, ફૈઝલ શેખ અને ગૌરાંગ ચોક્સી, પરાગ કામત અને રીપલ ગાંધીએ નાના-મોટા વેપારીઓ અને લોકો પાસેથી ડિપોઝિટ પેટે મળેલા લાખો કરોડો રૂપિયા લઈને પંપ ચાલુ કરવા અંગે જવાબ આપવાનું જ બંધ કરી દીધું હતું. ત્યારબાદ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમગ્ર કેસમાં કરોડોનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ આ મુદ્દે અનેક ફરિયાદો નોંધાઈ હતી જેમાંથી દુબઈ જતાં પોલીસ હાથે વધુ એક આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ મામલે સંડોવાયેલા હજી વધુ કોઈ આરોપીની પોલીસ ધરપકડ કરશે કે કેમ? તેમજ નાના મોટા વેપારીઓના કરોડો રૂપિયા પરત મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે જે પોલીસની આગળની કાર્યવાહી પર નજર કરાતાં જાણવા મળી શકે એમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા DSP પ્રશાંત સુંબે, LCB PI દેસાઈ નરેશ વિંઝુડા તેમજ ડીસા રૂલર PSI ડી.ડી.ગોયાણી, ASI મિલનદાસ મગનદાસ તેમજ રમેશભાઈ રાણાભાઈએ આ સમગ્ર ઓપરેશનને મોટાભાગે સફળ કરી બનાસકાંઠા પોલીસ સાથે સમગ્ર ગુજરાત પોલીસનું નામ ફરી એક વખત રોશન કર્યું છે.

> શું હતો મામલો?

ગુજરાતમાં મોટી મોટી જાહેરાતો આપીને બાયો-ડીઝલ પંપ ખોલવા માટે ‘માય ઈકો એનર્જી’ નામની કંપનીએ લોકો પાસેથી ડિપોઝિટ પેટે લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારબાદ પંપ નહીં ખોલી આપીને છેતરપિંડી આચરતાં આ કંપની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે અન્ય રાજ્યોમાં પણ આ કંપનીના નામે કુલ 8 ગઠિયાઓએ છેતરપિંડી કરી હતી. હૈદરાબાદમાં આ કંપનીના સંચાલકો સામે ફરિયાદ થઈ હતી અને તેમાં કાર્યવાહી થતાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ એ સમયે ગુજરાતમાં થયેલી ફરિયાદમાં માત્ર 1 મેનેજર કક્ષાના માણસની અટકાયત કરાઈને પોલીસે સંતોષ માન્યો હતો તેવું લાગી રહ્યું હતું.

Back to top button