મોસ્કો: કાર પાર્કિંગમાં બોમ્બ બ્લાસ્ટ, રશિયન સેનાના લેફ્ટનન્ટ જનરલનું મોત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે (22 ડિસેમ્બર, 2025) મોસ્કોમાં એક શંકાસ્પદ કાર બોમ્બ વિસ્ફોટમાં વ્લાદિમીર પુતિનની સેનાના ઓપરેશનલ ટ્રેનિંગ વિભાગના વડા લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવનું મોત થયું હતું.
લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવ રશિયન સશસ્ત્ર દળોમાં એક મહત્વપૂર્ણ પદ પર હતા. તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ઓપરેશન ટ્રેનિંગના પ્રમુખ હતા, જે સૈન્યની વ્યૂહાત્મક તાલીમ અને યુદ્ધ તૈયારીઓની જવાબદારી સંભાળે છે. આ વિભાગ રશિયાની યુદ્ધ ક્ષમતા અને સંરક્ષણ નીતિ સાથે સીધો જોડાયેલો માનવામાં આવે છે., જે સર્વરોવની ભૂમિકાને અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક બનાવે છે.
કાર પાર્કિંગમાં થયો વિસ્ફોટ
રશિયન મીડિયાના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની નજીક એક કાર પાર્કિંગમાં થયો હતો. આ હુમલા પાછળ યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓનો હાથ હોવાની શંકા છે. જોકે, યુક્રેનિયન સરકારે હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ થયો ત્યારે લેફ્ટનન્ટ જનરલ તેમની કારમાં હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમને ઘણા છરા વાગ્યા હતા અને તેમના ચહેરાના હાડકાંને નુક્શાન થયું હતુ. ગંભીર ઇજાઓને કારણે, તેમને બચાવી શકાયા નહીં અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. રશિયન તપાસ એજન્સીઓએ આ ઘટનાને શંકાસ્પદ કાર બોમ્બ હુમલો ગણાવી છે.
રાજધાનીમાં આટલા વરિષ્ઠ રશિયન લશ્કરી અધિકારીને નિશાન બનાવવું એ સુરક્ષામાં મોટી ભૂલ માનવામાં આવી રહી છે. યુક્રેનિયન સંઘર્ષ વચ્ચે, આ ઘટના રશિયાની આંતરિક સુરક્ષા અને ગુપ્તચર પ્રણાલીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. એવું માનવામાં આવે છે કે આ હુમલો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર રાજકીય અને લશ્કરી દબાણ વધારી શકે છે.
આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં ભયાનક માર્ગ અકસ્માત, બસ કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ; 16 લોકોના મોત












