‘ગોગો પેપર’નું વેચાણ કરનારાઓ સામે તવાઈ, પરંતુ હવે ઓનલાઈન વેચાવા લાગ્યા

રાજયમાં હાઈબ્રીડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધિત છે પરંતુ તેને જે પેપરમાં લેવામાં આવે છે તે ‘ગોગો પેપર’ હાલ મોટા ભાગના ગલ્લાઓ પર બેફામ વેચાઈ રહ્યા છે તે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે આવા પેપર વેચનારાઓ સામે પોલીસે લાલાઆંખ કરી છે. સુરતમાં ‘ગોગો પેપર’નું વેચાણ બંધ થાય તે માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને વેપારીઓને પણ સમજાવવામાં આવી રહ્યું છે.
‘ગોગો પેપર’ અત્યાર સુધી પાનના ગલ્લા પર તો મળતા જ હતા. પરંતુ, હાલ તેના પર કાયદાકીય પ્રતિબંધ ન હોય ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ સહેલાઈથી વેચાવા લાગ્યા છે. જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાના બદલે ઓનલાઈન પણ ખરીદતા થયા હોવાનું સામે આવ્યું છે. સુરત એસઓજીની ટીમે શહેરી વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓના ગોડાઉન પર તપાસ કરી હતી અને આ પ્રકારની વસ્તુઓનું જે હેતુ માટે વેચાણ થાય છે તેને ધ્યાનમાં રાખી અટકાવવા કડક સૂચના આપી હતી.
ડીસીપી રાજદીપસિંહ નકુમે ગોડાઉન પરની તપાસ બાદ જણાવ્યું હતું કે, અમે ઇન્સ્ટા માર્ટના સંચાલકોને તાકીદ કરી છે કે શહેરના યુવાધનને બરબાદ કરે તેવું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં આ ગોડાઉન કે એપ્સ પરથી આવા પેપરનું વેચાણ થશે, તો સંચાલકો સામે ગુનો દાખલ કરતા પણ પોલીસ અચકાશે નહીં.
માત્ર ઓનલાઇન જ નહીં, પરંતુ સુરત શહેરના તમામ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરો અને ગલ્લાઓ પર પણ પોલીસે દરોડા પાડ્યા છે. ગલ્લાઓ પર સહેલાઈથી લટકાવેલા ‘ગોગો પેપર’ના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસનો હેતુ એ છે કે નશો કરવા માટેની સામગ્રી જ જો બજારમાંથી ગાયબ કરી દેવામાં આવે, તો યુવાનોને નશાથી દૂર રાખી શકાય.












