ટ્રેન્ડિંગમનોરંજન

કાંતારાના દૈવ નૃત્યની મિમિક્રી કરતા રણવીર સિંહ ટ્રોલ થયોઃ વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી

  • રણવીર સિંહે ‘કાંતારા’ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટી સામે ‘દૈવ એક્ટ’ની મિમિક્રી કરી હતી. આ એક્ટ ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે

HD ન્યુઝ ડેસ્કઃ અભિનેતા રણવીર સિંહ Ranveer Singh હાલમાં આગામી ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ચર્ચામાં છે, પરંતુ હાલના દિવસોમાં તે એક મોટા વિવાદના કારણે સમાચારોમાં છે. રણવીર સિંહને સુપરહિટ કન્નડ ફિલ્મ ‘કાંતારા’ Kantara માં દર્શાવવામાં આવેલા ‘દૈવ નૃત્ય’ એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરવી ભારે પડી છે.

શું છે સમગ્ર વિવાદ?

હાલમાં જ ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા(IFFI)ના મંચ પર રણવીર સિંહે ‘કાંતારા’ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટી સામે ‘દૈવ એક્ટ’ની મિમિક્રી કરી હતી. આ એક્ટ ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે. આ કારણસર અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં રણવીર સિંહની આકરી ટીકા શરૂ થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત અનેક સંગઠનોએ ‘ચામુંડા દેવી’નું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

રિષભ શેટ્ટીએ જાહેરમાં રોક્યો હતો

‘કાંતારા’ ફિલ્મના મુખ્ય અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી છે. ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં મંચ પર તેમની સામે જ રણવીર સિંહે દૈવ એક્ટની મિમિક્રી કરી હતી. એ જ વખતે રિષભ શેટ્ટીએ વિનમ્રતાથી તેને રોક્યો હતો, પરંતુ રણવીર સિંહે કંઈ સમજ્યા વિના મિમિક્રી ચાલુ રાખી હતી.

આખરે રણવીર સિંહે માફી માંગી

આ ઘટના પછી રણવીર સિંહની સોશિયલ મીડિયા સહિત ચોતરફ ભારે ટીકા થઈ હતી. તેથી આખરે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને માફી માંગી છે. રણવીર સિંહે કહ્યું છે કે મારો ઈરાદો કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું તો માત્ર ફિલ્મમાં રિષભ શેટ્ટીના જબરદસ્ત પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. એક અભિનેતા જ સમજી શકે છે કે આવી કલા પ્રસ્તુત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. હું દેશની પરંપરાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરું છું. જો મારાથી કોઈની લાગણી દુભાઈ હોય, તો તેના માટે હું દિલથી માફી માંગુ છું.

આ પણ વાંચોઃ પલાશે ખુશખબર આપી, તે આ દિવસે સ્મૃતિ સાથે લગ્ન કરશે, કહ્યું લગ્ન….

Back to top button