એ હાલો મેળેઃ રાજકોટ લોકમેળામાં હૈયેહૈયું દળાય એટલી ભીડ ઉમટી

રાજકોટ, તા. 16 ઓગસ્ટ, 2025: રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળાનો આજે ત્રીજો દિવસ છે. પહેલા બે દિવસમાં જ 4 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. આજે જન્માષ્ટમી હોવાથી રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા છે. શૌર્યનું સિંદૂર લોકમેળામાં હૈયેહૈયું દળાય એટલી ભીડ ઉમટી પડી છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર લોકો જ નજરે પડી રહ્યા છે.
આ વર્ષે પણ લોકો મેળાના મુખ્ય આકર્ષણ ‘મોતના કૂવા’નો આનંદ માણી શકશે નહીં. ગયા વર્ષે ભારે વરસાદને કારણે અને આ વર્ષે મંજૂરી ન મળવાને કારણે ‘મોતનો કૂવો’ ચાલુ થઈ શક્યો નથી. આનાથી લોકોને તો નિરાશા થઈ જ છે, પરંતુ જીવના જોખમે કરતબ બતાવતા કલાકારો પણ નાખુશ છે.

મેળાના આયોજકોનો અંદાજ છે કે 5 દિવસમાં કુલ 12 લાખથી વધુ લોકો લોકમેળાની મુલાકાત લેશે. પ્રથમ બે દિવસમાં જ 4 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે અને આજે ત્રીજા દિવસના અંતે આ આંકડો 7 થી 8 લાખ સુધી પહોંચવાની શક્યતા છે.
રાજકોટનો પ્રખ્યાત લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો ગણાય છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ મેળો 18 ઓગસ્ટ સુધી યોજાશે. આ વર્ષે મેળાને ‘શૌર્યનું સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. મેળામાં કુલ 34 રાઈડ્સમાંથી માત્ર 11 રાઈડ્સને જ મંજૂરી મળી હતી, જેના કારણે લોકો નિરાશ થયા હતા. રાઈડ્સ સંચાલકોએ આ માટે માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદમાં વધુ રાઈડ્સને મંજૂરી મળી હતી. રાજકોટ પોલીસ દ્વારા મેળામાં વ્યસનમુક્તિ અને નશા સામે જાગૃતિ ફેલાવવા માટે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં નાગરિકોને ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરાઈ છે.
આ પણ વાંચોઃ રાજકોટના હિરાસર એરપોર્ટ પર સામાન્ય વરસાદમાં પણ છતમાંથી ધોધમાર પાણી પડ્યું












