કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટના હિરાસર એરપોર્ટ પર સામાન્ય વરસાદમાં પણ છતમાંથી પાણી પડ્યું

રાજકોટ, તા. 16 ઓગસ્ટ, 2025: રાજકોટ નજીક આવેલું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ એરપોર્ટના નિર્માણ પાછળ 326 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વીડિયોએ તેની ગુણવત્તા પર સવાલો ઊભા કર્યા છે.

શું છે આખો મામલો?

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એરપોર્ટના અરાઈવલ વિસ્તારમાં આવેલા કન્વેયર બેલ્ટ પાસે છતમાંથી પાણીનો ધોધ પડી રહ્યો છે. આ એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ બન્યાને હજુ છ મહિના જ થયા છે અને સામાન્ય વરસાદમાં જ આ હાલત થઈ છે. પાણી રોકવા માટે નીચે ટબ પણ મૂકવા પડ્યા હતા. અગાઉ પણ અહીં છતમાંથી પાણી ટપકવાની સમસ્યા આવી હતી, જેને સુધારવાને બદલે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભૂતકાળમાં પણ આવી જ ઘટના બની હતી

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ રાજકોટના જૂના એરપોર્ટ પર ભારે પવન અને વરસાદને કારણે પેસેન્જર પિકઅપ એરિયાની છત તૂટી પડી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ ત્યારે પણ કામમાં થયેલા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ નવા હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ જુલાઈ 2023માં કર્યું હતું. આ નવી ઘટનાએ ફરી એકવાર બાંધકામની ગુણવત્તા અને ભ્રષ્ટાચારના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઈન્ડિગો અને એર ઇન્ડિયા સહિતની એરલાઈન્સ મળી મુંબઈની 5, દિલ્હીની 2 ઉપરાંત હૈદરાબાદ, પુણે અને બેંગ્લોર જવા માટે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. અહીંથી દૈનિક 3000થી વધુ મુસાફરોની અવરજવર રહે છે.

આ પણ વાંચોઃ ગુજરાતી કલા જગત ઉપર આભ ફાટ્યું, મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, સાત ઘાયલ

Back to top button