ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

લોકસભા ચૂંટણીઓની તૈયારીઓનો શુભારંભ, EVM ચેકિંગ અંગે યોજાયો વર્કશૉપ

  • EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે યોજાયો રાજ્યકક્ષાનો વર્કશૉપ.
  • BELના એન્જિનિયર્સ દ્વારા EVM, PFLCU, SLU અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે ડેમોન્સ્ટ્રેશન સાથે અપાઈ તાલીમ.

આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેને અનુલક્ષીને ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વના અંગ ગણાતા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM)ના FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ અંગે તાલીમ અને માર્ગદર્શન માટે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.

રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા FLC સુપરવાઈઝર્સને તાલીમ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ એક દિવસીય વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચના ઉપસચિવ ઓ.પી. સાની તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

EVM ચેકિંગ-HDNEWS

આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાતાં પ્રથમ તબક્કાના FLC વર્કશૉપના અગત્ય પર ભાર મૂક્યો હતો. EVMના કેટેગરી મુજબ સ્ટોરેજ, EVM વેરહાઉસની સુરક્ષા અને EVMના ટ્રાન્સ્પોર્ટેશન કે શિફ્ટીંગ સમયે અનુસરવાની થતી કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરી મુખ્ય નિર્વાચન અધિકારીએ ચૂંટણી પૂર્વે, ચૂંટણી સમયે અને મતગણતરી સમયે અનુસરવાના પ્રોટોકોલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં મુખ્ય નિર્વાચન અધિકારીએ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ, રેન્ડમાઈઝેશન, કમિશનિંગ અને વિતરણ સમયે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલી કાર્યપદ્ધતિનું સુચારૂ પાલન થાય તે સુનિશ્ચિત કરવા તથા મતદારોમાં EVM અંગે જાગૃતિ કેળવાય તે માટે પ્રયત્નો કરવા પણ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું.

EVM ચેકિંગ-HDNEWS

EVMની ટેક્નિકલ અને વહિવટી બાબતો અંગે માર્ગદર્શન આપતાં રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જયદ્વિપ દ્વિવેદી દ્વારા EVMના મેન્યુફેક્ચરિંગ ફિચર્સ, તેની પારદર્શિતા અને તેના સંચાલનને લગતાં પાસાઓ અંગે સવિસ્તાર સમજ આપવામાં આવી હતી. આ સાથે જ સચિવએ EVMના LC, રેન્ડમાઈઝેશન, મૉક પોલ અને EVM મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા વહિવટી પાસાઓ અંગે તબક્કાવાર તાલીમ આપી હતી.

સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અને EVMના સ્ટેટ લેવલ નૉડલ ઑફિસર પંકજ પંચાલ દ્વારા EVMની સમગ્ર FC પ્રક્રિયા, તેના સુપરવિઝન તથા તે દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારી અને ફર્સ્ટ લેવલ ચેકિંગ ઈન્ચાર્જ સહિતના અધિકારીઓની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

EVM ચેકિંગ-HDNEWS

ભારત ઇલેકટ્રોનિક્સ લિ.ના એન્જિનિયર્સ દ્વારા EVM અને VPAT ઉપરાંત Pre First Level Checking Unit (PFLCU) અને Symbol Loading Unit (SLU)નું નિદર્શન અને ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના નિષ્ણાંતો દ્વારા નિરાકરણ આપવામાં આવ્યુ હતું.

સામાન્ય રીતે લોકસભા ચૂંટણીઓ યોજાવાના સંભવિત સમયના 06 માસ પૂર્વે EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર આગામી તા. 03જી ઑક્ટોબરથી રાજ્યભરમાં EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવનાર છે ત્યારે EVMના FLC અંગેનો વર્કશૉપ આ પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવામાં ઔડા નવા ડેવલપમેન્ટ પ્લાનમાં ધરખમ ફેરફાર કરશે

Back to top button