લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી: જાણો શું છે નિયમો અને અત્યાર સુધીનો ઇતિહાસ

નવી દિલ્હીઃ 9 ફેબ્રુઆરી, 2026: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે મોરચો ખોલ્યો છે અને તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસના સાંસદ મલ્લુ રવિએ જણાવ્યું કે મંગળવારે આ અંગે નોટિસ આપવામાં આવશે. વિપક્ષનો આરોપ છે કે સ્પીકર પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સરકાર પર સ્પીકર પર દબાણ લાવવાનો આરોપ લગાવ્યો છે.
લોકસભા સ્પીકરને હટાવવાની પ્રક્રિયા શું છે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 94 અને લોકસભાના નિયમોના અનુચ્છેદ 200 મુજબ સ્પીકરને હટાવવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
* લેખિત નોટિસ: પ્રસ્તાવ લાવવા ઈચ્છતા સભ્યએ લોકસભાના મહાસચિવને લેખિત નોટિસ આપવી પડે છે.
* ચોક્કસ આરોપો: નોટિસમાં આરોપો સ્પષ્ટ અને સચોટ હોવા જોઈએ. તેમાં કોઈ વ્યંગ કે અપમાનજનક શબ્દો ન હોવા જોઈએ.
* 14 દિવસનો સમય: નોટિસ મળ્યાના 14 દિવસ પછી જ આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે.
* 50 સભ્યોનું સમર્થન: પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન અનિવાર્ય છે, અન્યથા પ્રસ્તાવ રદ થઈ જાય છે.
* બહુમતી: પ્રસ્તાવ પસાર થવા માટે ગૃહના તત્કાલીન સભ્યોની બહુમતી જરૂરી છે. પ્રક્રિયા દરમિયાન સ્પીકર પોતે અધ્યક્ષ પદ પર બેસી શકતા નથી.
ઈતિહાસ: અત્યાર સુધી કેટલી વાર પ્રસ્તાવ આવ્યા?
ભારતીય સંસદના ઇતિહાસમાં અત્યાર સુધી 3 વખત સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ ત્રણેય વખતે તે રદ (ખાલીજ) થયા છે:
* 18 ડિસેમ્બર, 1954: જી.વી. માવલંકર વિરુદ્ધ (પ્રસ્તાવ ફગાવી દેવાયો).
* 24 નવેમ્બર, 1966: હુકમ સિંહ વિરુદ્ધ (50 સભ્યોનું સમર્થન ન મળતા રદ થયો).
* 15 એપ્રિલ, 1987: બલરામ જાખડ વિરુદ્ધ (ચર્ચા બાદ રદ થયો).
કોંગ્રેસની નારાજગીના 4 મુખ્ય કારણો
રાહુલ ગાંધીનું ભાષણ: જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીને રોકવામાં આવ્યા, જ્યારે ભાજપના સાંસદને પૂર્વ PM વિરુદ્ધ બોલવા દેવાયા.
સાંસદોનું સસ્પેન્શન: કોંગ્રેસના 7 સહિત કુલ 8 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.
પક્ષપાતી વલણ: વિપક્ષનો આરોપ છે કે સ્પીકર માત્ર સરકારનો પક્ષ સાંભળે છે.
PM પર ટિપ્પણી: સ્પીકરે દાવો કર્યો કે વિપક્ષી સાંસદો PM પર હુમલો કરી શકે તેમ હતા, જે વાતથી વિપક્ષ લાલચોળ છે.
શું ઓમ બિરલાની ખુરશી જશે?
રાજકીય સમીકરણો જોઈએ તો, અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવો અશક્ય જણાય છે. વિપક્ષ પાસે 220થી વધુ સાંસદો છે, જે પ્રસ્તાવ લાવવા માટે પૂરતા છે. પરંતુ તેને પસાર કરવા માટે બહુમતી જોઈએ, જે હાલમાં NDA (સરકાર) પાસે છે.












