ગુજરાતટોપ ન્યૂઝ

બે બાળકીઓના મોતમાં નવો વળાંક, આખા પરિવારનો થશે લાઈ ડિટેકશન ટેસ્ટ

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ઢોસાના ખીરા ખાધા બાદ થયેલા આ મોતના કેસમાં હવે પોલીસ તપાસ વધુ ગંભીર બની છે. ઘટનાનો સચોટ ભેદ ઉકેલવા માટે તપાસ એજન્સીઓએ મૃતક બાળકીના માતા-પિતા તેમજ દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે.

પોલીસે ગઈકાલે બાળકીના પિતા વિમલ પ્રજાપતિની લગભગ 9 કલાક સુધી સતત પૂછપરછ કરી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન તેઓ એક જ વાત પર અડગ રહ્યા કે ખીરું ખરાબ હતું. તેમ છતાં, પોલીસને આ જવાબથી સંતોષ ન મળતા વધુ વૈજ્ઞાનિક તપાસનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. હવે FSL રિપોર્ટ આવ્યા બાદ કોર્ટની મંજૂરી લઈને લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ચાંદખેડાના મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ સ્થાનિક ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યા હતા. તેમાંથી બનેલા ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિનાની રાહા અને ચાર વર્ષની મિશ્રી નામની બાળકીના દુર્ભાગ્યપૂર્ણ મોત નિપજ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ઘટનાના ચાર દિવસ બાદ, FSLની હાજરીમાં નાની બાળકી રાહાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, કારણ કે પરિવાર દ્વારા પહેલાં જ અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. આ પગલું પણ તપાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે. બાળકીની માતા ભાવનાના ઘરે તપાસ કરતાં એક ડાયરી મળી આવી, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થનાઓ અને ધાર્મિક માન્યતાઓના ઉલ્લેખ જોવા મળ્યા હતા. આ ડાયરીએ કેસને નવા દિશામાં દોરી દીધો છે. પોલીસ હવે પારિવારિક વિવાદ, આર્થિક તંગી અથવા પુત્રની ઈચ્છા જેવા તમામ સંભવિત કારણોની દિશામાં પણ તપાસ કરી રહી છે.

આ સિવાય, FSL ટીમે ઘટનાસ્થળેથી ચાદર, કપડાં, ખીરું ભરેલું વાસણ અને બાળકોની દવાઓ સહિત અનેક મહત્વપૂર્ણ વસ્તુઓ જપ્ત કરી છે. આ તમામ વસ્તુઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ ચાલી રહ્યું છે.

પોલીસે હવે ઘટનાના દરેક પળને જોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વિમલ પ્રજાપતિ ખીરું લેવા ગયા બાદ કયા માર્ગે ગયા અને કેટલા સમયમાં ઘરે પહોંચ્યા, તેની પુષ્ટિ માટે આસપાસના તમામ CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. ડેરીથી લઈને તેમના ઘર સુધીના તમામ કેમેરાની વિગતવાર ચકાસણી ચાલી રહી છે.

મહત્વની વાત એ છે કે જો ખરેખર ખીરું ખરાબ હોત, તો તે જ ડેરીમાંથી ખરીદી કરનારા અન્ય લોકોને પણ અસર થવી જોઈએ, પરંતુ અત્યાર સુધી એવો કોઈ કેસ સામે આવ્યો નથી. જેના કારણે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ ઘટનાની પાછળ કોઈ અજુગતું અથવા શંકાસ્પદ કારણ છુપાયેલું હોઈ શકે છે.

આ સમગ્ર કેસમાં હજી સુધી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસની તપાસ હવે વધુ સચોટ દિશામાં આગળ વધી રહી છે. શહેરના લોકો પણ આ કેસના ખુલાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Google Pay Pocket Money: શું ગૂગલ પેનું ‘પોકેટ મની’ ફીચર એક સ્કેમ છે? જાણો સત્ય

 

Back to top button