ગુજરાતટોપ ન્યૂઝવિશેષ

ખીરા-ઢોસા કેસમાં નવો વળાંક; હોસ્પિટલમાંથી રજા મળતા જ માતાની પૂછપરછ શરૂ, FSL રિપોર્ટ પર સૌની નજર

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલા બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં ઢોસા ખાધા બાદ ત્રણ મહિનાની રાહા અને ચાર વર્ષની મિશ્રીના થયેલા મોતે સમગ્ર શહેરને ચોંકાવી દીધું છે.

આ કેસમાં આજે બાળકીની માતા ભાવના પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ સીધા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઝોનના ડીસીપી, એસીપી અને પીઆઇની હાજરીમાં પૂછપરછ ચાલી રહી છે.

પિતા બાદ હવે માતાની પૂછપરછ

આ પહેલાં 10 એપ્રિલે બાળકીના પિતા વિમલ પ્રજાપતિની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન વિમલે કોઈ પણ પ્રકારની હત્યાને નકારી કાઢી હતી અને દાવો કર્યો હતો કે ખીરું ખરાબ હોવાથી ખોરાકમાં ઝેરી પદાર્થ જતા આ દુર્ઘટના બની હશે. પરંતુ પોલીસને આ દલીલમાં શંકા જણાઈ રહી છે, કારણ કે જો ખીરું ખરાબ હોત તો અન્ય ગ્રાહકોને પણ તેની અસર થવી જોઈએ હતી. તેથી હવે તપાસનો ફોકસ પરિવારની અંદરની પરિસ્થિતિઓ પર પણ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પરિવારજનોના નિવેદન પણ નોંધાયા

પોલીસે કેસની દરેક દિશામાં તપાસ શરૂ કરી છે. બાળકીના દાદા-દાદી સહિતના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ ઓસ્ટ્રેલિયાથી આવેલા કાકા અને ફોઈના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે, જેથી પરિવારની અંદરની સ્થિતિ સમજવામાં મદદ મળે.

ડાયરીમાંથી મળ્યા સંકેતો

તપાસ દરમિયાન પોલીસે ભાવનાના ઘરેથી એક ડાયરી પણ જપ્ત કરી છે. આ ડાયરીમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના અને ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ મળ્યો છે. આથી પોલીસ પરિવારના માનસિક અને સામાજિક દબાણોને પણ તપાસના દાયરામાં લઈ રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ પારિવારિક કલહ, આર્થિક સમસ્યાઓ કે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા જેવી બાબતો પણ તપાસ હેઠળ છે.

CCTV ફૂટેજથી ખુલશે હકીકત?

પોલીસ હવે ટેકનિકલ તપાસ પર ભાર મૂકી રહી છે. વિમલ પ્રજાપતિ ખીરું લઈને ડેરીમાંથી સીધો ઘરે ગયો હતો કે વચ્ચે ક્યાંય રોકાયો હતો તે જાણવા માટે CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ડેરીથી લઈને ઘર સુધીના દરેક કેમેરાની તપાસ કરીને ‘મિનિટ-ટુ-મિનિટ’ મૂવમેન્ટ ટ્રેક કરવામાં આવી રહી છે, જેથી ઘટનાની સાચી કડી જોડાઈ શકે.

FSL રિપોર્ટ પર બધાની નજર

આ સમગ્ર કેસમાં સૌથી મહત્વપૂર્ણ પુરાવો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)નો રિપોર્ટ બની શકે છે. ખીરાના સેમ્પલની તપાસ ચાલી રહી છે અને સાંજ સુધી રિપોર્ટ આવવાની શક્યતા છે. જો ખોરાકમાં ઝેરી પદાર્થની પુષ્ટિ થાય તો કેસની દિશા બદલાઈ શકે છે, નહીતર શંકા વધુ ઘેરી બની શકે છે.

આ પણ વાંચો: બધા દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાનો અધિકાર, શું કહે છે આંતરરાષ્ટ્રીય કાયદો?

 

 

Back to top button