ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

નેપાળમાં આફત…! વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- દરેક સંભવિત મદદ માટે તૈયાર

નવી દિલ્હીઃ 5 ઓક્ટોબર, 2025: Nepal Flood: નેપાળમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં જુદી જુદી ઘટનાઓમાં 47 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. આ કપરા સમયમાં ભારત સરકારે નેપાળની જનતા સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેવાની અને તમામ સંભવિત સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘નેપાળમાં ભારે વરસાદથી જાનમાલને થયેલું નુકસાન અત્યંત પીડાદાયક છે. અમે આ મુશ્કેલ સમયમાં નેપાળવાસીઓ અને ત્યાંની સરકારની સાથે ખભેખભો મિલાવીને ઊભા છીએ. ભારત કોઈપણ અનિવાર્ય સહાય માટે તૈયાર છે.’

વરસાદ સંબંધિત આપત્તિઓમાં 47 મૃત્યુ, 11 લાપતા

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે નેપાળના અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પૂરનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આનાથી હજારો લોકો પ્રભાવિત થયા છે, ઘણા લોકોના જીવ ગયા છે અને માળખાકીય સુવિધાઓ તૂટી પડી છે.

સશસ્ત્ર પોલીસ બળ (APF) નેપાળે પુષ્ટિ કરી છે કે વરસાદ સંબંધિત આપત્તિઓમાં મૃત્યુઆંક હવે 47 પર પહોંચી ગયો છે. સુરક્ષા દળોના આંકડાઓ મુજબ, પૂર, ભૂસ્ખલન, વીજળી પડવા અને માર્ગ અકસ્માતોને કારણે અન્ય 13 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આપત્તિ સંબંધિત ઘટનાઓમાં 11 લોકો લાપતા હોવાના અહેવાલ છે.

સપ્તકોશી નદીમાં ભયજનક સપાટી, 56 ગેટ ખોલાયા

શુક્રવાર રાતથી નેપાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પરિણામે સપ્તકોશી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે ભારતને અડીને આવેલા કોસી બેરેજના તમામ 56 ગેટ ખોલી દેવામાં આવ્યા છે.

તંત્રએ લોકોને કર્યા સાવચેત

સપ્તકોશી જળ માપન નિયંત્રણ કક્ષે પુષ્ટિ કરી છે કે, જળ સ્તરે ખતરનાક સીમા પાર કરી લીધી છે. સુનસરી અને ઉદયપુરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધતાં CDO દ્વારા નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ભૂતકાળમાં પણ કુદરતી આપત્તિઓ દરમિયાન નેપાળને નિર્ણાયક મદદ કરી છે, જેમાં 2015નો વિનાશકારી ભૂકંપ અને 2020નું પૂર સામેલ છે. સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધોને કારણે બંને રાષ્ટ્રો સંકટના સમયે એકબીજાને પૂરો સહયોગ આપતા રહ્યા છે.

આ પણ વાંચોઃ મોબાઈલ ચાર્જરથી પકડાયો પહલગામ હુમલાના આતંકીઓનો મદદગાર, જાણો પોલીસને કેવી રીતે મળી સફળતા

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનું કફ સિરપ મુદ્દે કડક વલણ, કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું છે કે જો નિયમોનું પાલન નહીં થાય તો લાઇસન્સ રદ કરાશે

Back to top button