મોબાઈલ ચાર્જરથી પકડાયો પહલગામ હુમલાના આતંકીઓનો મદદગાર, જાણો પોલીસને કેવી રીતે મળી સફળતા

જમ્મુ અને કાશ્મીરઃ 5 ઓક્ટોબર, 2025: Pahalgam Attack: કાશ્મીર ખીણમાં પહલગામમાં થયેલા આતંકી હુમલા પાછળનું ષડયંત્ર ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એક ઓવરગ્રાઉન્ડ વર્કર (OGW)ની ધરપકડ કરી છે, જેણે આતંકીઓ સાથે ચાર વખત મુલાકાત કરી હતી અને તેમને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડી હતી તેમજ મોબાઈલ ફોન ચાર્જર આપ્યો હતો. ઝડપાયેલા 26 વર્ષીય આરોપીનું નામ મોહમ્મદ યૂસુફ કટારી છે, જે વ્યવસાયે શિક્ષક છે.
શિક્ષકે કબૂલ્યું: 4 વખત આતંકીઓને મળ્યો હતો
કેન્દ્રીય તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપી મોહમ્મદ યૂસુફ કટારીએ પૂછપરછમાં કબૂલ્યું કે, તે પહલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓ – સુલેમાન ઉર્ફે આસિફ, જિબ્રાન અને હમઝા અફગાનીને ચાર વખત મળ્યો હતો. એટલું જ નહીં, તેણે તેમને એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોનનું ચાર્જર પણ આપ્યું હતું, જે પાછળથી તપાસની સૌથી મહત્ત્વની કડી સાબિત થયું અને તેના દ્વારા જ પોલીસ તેના સુધી પહોંચી શકી.
‘ઓપરેશન મહાદેવ’માં ચાર્જર બન્યું ચાવીરૂપ પુરાવો
જુલાઈમાં શરૂ કરવામાં આવેલા આતંકવાદ વિરોધી અભિયાન ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલી જબરવાન પહાડીઓની તળેટીમાં ત્રણેય આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને જે સામગ્રી મળી, તેમાં એક આંશિક રીતે બળી ગયેલું મોબાઈલ ચાર્જર પણ હતું. આ સામાન્ય પુરાવો જ પોલીસને તે નેટવર્ક સુધી લઈ ગયો, જે પહલગામ હુમલાના કાવતરાનો ભાગ હતો.
ફોરેન્સિક તપાસમાં મોબાઈલ ચાર્જરના સીરીયલ નંબર અને કનેક્ટિવિટી ડેટામાંથી પોલીસને મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા. શ્રીનગર પોલીસે જ્યારે તેને ટ્રેસ કર્યું, તો ચાર્જરના અસલી માલિકનો પત્તો લાગ્યો. તેણે તેને એક ડીલરને વેચ્યું હતું. ત્યાંથી એક કડીથી બીજી કડી જોડતા તપાસ ટીમ મોહમ્મદ યૂસુફ કટારી સુધી પહોંચી અને તેની સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ધરપકડ કરવામાં આવી.
શિક્ષકની આડમાં OGWની ભૂમિકા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી ઊંચા વિસ્તારોમાં રહેતા ખાનબદોશ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરતો હતો, પરંતુ પડદા પાછળ તે આતંકીઓને માર્ગદર્શન આપવાની અને તેમના માટે સામાન એકઠો કરવાની જવાબદારી નિભાવતો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે માત્ર મોબાઈલ ફોનનું ચાર્જર જ નહીં, પરંતુ પહલગામના હુમલાખોરોને પહાડી રસ્તાઓમાંથી પસાર થવામાં પણ મદદ કરી હતી.
મોહમ્મદ યૂસુફ કટારી સુલેમાન ઉર્ફે આસિફ (પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ), જિબ્રાન (સોનમર્ગ સુરંગ હુમલામાં સામેલ) અને હમઝા અફગાની જેવા મોટા આતંકીઓના સંપર્કમાં હતો. આ ત્રણેયને 29 જુલાઈના રોજ ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ અથડામણમાં ઠાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ કેવી રીતે મળે છે નોબેલ પુરસ્કાર? જાણો શું છે નિયમ અને કેમ છે આટલું મહત્ત્વ












