ગીરગઢડા પંથકમાં કુદરતનો પ્રકોપ: ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, શાગાવાડી નદીમાં ઘોડાપૂર

Girsomnath News: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ સમગ્ર વિસ્તારને ઘમરોળી નાખ્યો છે. માર્ચ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાંથી વરસેલી આ આફતે ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જી દીધી છે. મુશળધાર વરસાદને પગલે સ્થાનિક નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
નદીઓ બે કાંઠે, વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદના કારણે એભલવડ ગામ પાસેથી પસાર થતી શાગાવાડી નદીમાં જોરદાર પૂર આવ્યું છે. વર્ષો પછી ભર ઉનાળે નદી બે કાંઠે વહેતી જોઈ સ્થાનિકો પણ અચંબિત થઈ ગયા છે. આ કમોસમી વરસાદની સૌથી વરવી અસર હરમડીયા ગામમાં જોવા મળી હતી. ગામના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હરમડીયાને જોડતા બેઠા કોઝવે પર નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. અનેક લોકો જીવના જોખમે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થતા જોવા મળ્યા હતા, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટ કે કોઝવે પસાર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
આ માવઠું ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થયું છે. ઉનાળુ પાક અને ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાકને આ વરસાદથી મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તૈયાર પાક બગડવાની શક્યતાએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે.
હજુ પણ આફતનું સંકટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ૨૪ થી ૪૮ કલાક સુધી ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. તંત્ર દ્વારા માછીમારો અને ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ઉનાળામાં સર્જાયેલા આ ‘ચોમાસા’એ કુદરતી સંતુલન અને ગ્લોબલ વોર્મિંગ સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ પણ વાંચો: રેલ મુસાફરો માટે એલર્ટ: આ તારીખે પાંચ કલાક સુધી ટિકિટ બુકિંગ રહેશે બંધ, જાણો સમગ્ર માહિતી












