ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

7 વર્ષ બાદ ભારત આવશે શી જિનપિંગ, BRICS સમિટમાં ભાગ લેશે, મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પર નજર

Xi Jinping India Visit: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર જિનપિંગ આ સમિટમાં હાજરી આપશે. ચીનના વિદેશ મંત્રાલયે તેમની ભારત મુલાકાતની પુષ્ટિ કરી છે. જિનપિંગની આ છેલ્લા સાત વર્ષમાં ભારતની પ્રથમ મુલાકાત હશે.

2019 બાદ પ્રથમ વખત ભારત આવશે જિનપિંગ

શી જિનપિંગ છેલ્લે વર્ષ 2019માં ભારત આવ્યા હતા. ત્યારબાદ 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી બંને દેશોના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીને બાદમાં પોતાના ચાર સૈનિકોના મોતની વાત સ્વીકારી હતી. હવે સાત વર્ષ બાદ જિનપિંગની ભારત મુલાકાત બંને દેશોના સંબંધોની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મોદી-જિનપિંગની દ્વિપક્ષીય બેઠક પર નજર

BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની શક્યતા છે. આવી બેઠક ભારત-ચીન સંબંધોની આગામી દિશા નક્કી કરવા માટે મહત્ત્વની બની શકે છે. જોકે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, વિઝા અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર હજુ પણ મતભેદ અને અવિશ્વાસ યથાવત છે.

મોદી અને જિનપિંગ વચ્ચે અગાઉ 2025માં ચીનના તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન બેઠક થઈ હતી. ત્યારે બંને નેતાઓએ સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પરસ્પર સંબંધોમાં સકારાત્મક ગતિ આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ જ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જિનપિંગને 2026માં ભારતમાં યોજાનારી BRICS સમિટ માટે આમંત્રણ આપ્યું હતું.

મોટા ડેલિગેશન સાથે આવશે ચીનના રાષ્ટ્રપતિ

 જિનપિંગ આ વખતની ભારત મુલાકાત દરમિયાન આશરે 400 અધિકારીઓના મોટા પ્રતિનિધિમંડળ સાથે આવી શકે છે. 2019ની તેમની ભારત મુલાકાત વખતે ચીનના પ્રતિનિધિમંડળમાં 200થી ઓછા અધિકારીઓ હતા.

BRICS સમિટ 12-13 સપ્ટેમ્બરે

18મી BRICS સમિટ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. ભારત 2026માં બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. આ વખતની ભારતની અધ્યક્ષતાની થીમ Building for Resilience, Innovation, Cooperation and Sustainability રાખવામાં આવી છે. સમિટમાં વૈશ્વિક શાસન, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય, આપત્તિ સામેની તૈયારી અને મહત્ત્વપૂર્ણ સપ્લાય ચેઇન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. BRICSમાં હાલ ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન, યુએઈ, ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા સામેલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભારત-ચીન સંબંધો માટે કેમ મહત્ત્વની મુલાકાત?

2020ની ગલવાન અથડામણ બાદ ભારત-ચીન સંબંધોમાં આવેલી કડવાશને ઓછી કરવા છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ રહી છે. સરહદી શાંતિ ઉપરાંત વેપાર, રોકાણ અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા બંને દેશો પ્રયાસ કરી રહ્યા છે. તેથી દિલ્હીમાં મોદી અને જિનપિંગ વચ્ચે સંભવિત મુલાકાત પર દુનિયાની નજર રહેશે.

આ પણ વાંચોઃ BJPમાં મોટો સંગઠનાત્મક ફેરફાર: 7 રાષ્ટ્રીય મોરચાના પ્રભારી જાહેર, જાણો કોને કઈ જવાબદારી મળી
Back to top button