વિશેષ

શી જિનપિંગ દિલ્હી આવ્યા તો સાથે શું લાવ્યા? ચીનથી પહેલા જ આવી ગયો ‘હરતો ફરતો કિલ્લો’

Xi Jinping India Visit: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ સાત વર્ષ બાદ ભારત પહોંચ્યા છે. BRICS સમિટમાં ભાગ લેવા માટે શનિવાર, 12 સપ્ટેમ્બરે તેમનું વિશેષ વિમાન દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું. જિનપિંગની આ મુલાકાત માત્ર રાજદ્વારી દૃષ્ટિએ જ નહીં, પરંતુ તેમની અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે પણ ચર્ચામાં છે. તેમની ખાસ સુરક્ષા ટીમથી લઈને બુલેટપ્રૂફ લિમોઝિન સુધીની વ્યવસ્થા ચીનથી પહેલેથી જ દિલ્હી પહોંચી ગઈ હતી.

જિનપિંગ સાથે આવી ખાસ Hongqi N701 કાર

શી જિનપિંગ દિલ્હીમાં મુસાફરી માટે ચીનની ખાસ Hongqi N701 Armoured Limousineનો ઉપયોગ કરે તેવી માહિતી સામે આવી છે. આ સામાન્ય લક્ઝરી કાર નથી, પરંતુ ચીનના ટોચના નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી અત્યંત સુરક્ષિત કાર છે. Hongqi N701માં મજબૂત આર્મર, બુલેટપ્રૂફ ગ્લાસ અને ખાસ સુરક્ષિત ટાયર જેવી સુવિધાઓ છે. સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રપતિને સુરક્ષિત રાખી શકાય તે રીતે આ કાર બનાવવામાં આવી છે. આ કારણથી તેને જિનપિંગ માટે ‘ચાલતો-ફરતો સુરક્ષા કિલ્લો’ પણ કહી શકાય.

ચીનની સુરક્ષા ટીમ અગાઉથી પહોંચી દિલ્હી

રાષ્ટ્રપતિ જિનપિંગ ભારત પહોંચે તે પહેલાં જ ચીનની વિશેષ સુરક્ષા ટીમ દિલ્હી આવી પહોંચી હતી. ટીમે જિનપિંગ જ્યાં રોકાવાના છે તે હોટલ, આસપાસના વિસ્તારો તેમજ તેમની અવરજવર માટેના સંભવિત માર્ગોની સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને એરપોર્ટથી હોટલ અને ત્યારબાદ ભારત મંડપમ સુધીના સંભવિત રૂટ પર સુરક્ષા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. હોટલના કર્મચારીઓનું વેરિફિકેશન અને રાષ્ટ્રપતિ રોકાવાના ફ્લોરથી લઈને છત અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ખાસ વિમાનથી દિલ્હી પહોંચ્યા જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ વિદેશ પ્રવાસ દરમિયાન સામાન્ય રીતે Air Chinaના Boeing 747-8 વિમાનનો ઉપયોગ કરે છે. આ વિમાન રાષ્ટ્રપતિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંચાર અને સુરક્ષા સંબંધિત વિશેષ વ્યવસ્થાઓ સાથે તૈયાર કરવામાં આવે છે. જોકે તેની સુરક્ષા ટેક્નોલોજીની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવતી નથી.

જિનપિંગ સાથે ચીનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના સભ્યો પણ ભારત આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને સેન્ટ્રલ ઓફિસના ડિરેક્ટર કાઈ કી તથા ચીનના વિદેશ મંત્રી વાંગ યીનો સમાવેશ થાય છે. એક વેપારી પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે ભારત આવ્યું છે.

હોટલ ઉપરના હવાઈ વિસ્તારમાં પણ નજર

સુરક્ષા માત્ર રસ્તા અને હોટલ સુધી મર્યાદિત રાખવામાં આવી નથી. રિપોર્ટ મુજબ જિનપિંગ જ્યાં રોકાવાના છે તે હોટલના ઉપરના હવાઈ વિસ્તારમાં પણ ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમના લગભગ 24 કલાકના ભારત પ્રવાસ દરમિયાન હોટલની આસપાસ અસ્થાયી નો-ફ્લાય ઝોન સહિતના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સાથે જ કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર એટલે કે CBRN પ્રકારના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને પણ વિશેષ તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

BRICS માટે દિલ્હીમાં મોટો સુરક્ષા બંદોબસ્ત

BRICS સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. રિપોર્ટ અનુસાર લગભગ 15 હજાર દિલ્હી પોલીસકર્મીઓ અને 200 પેરામિલિટરી કંપનીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. 500થી વધુ CCTV કેમેરા અને ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી દ્વારા દેખરેખ વધારવામાં આવી છે. ભારત મંડપમ અને વિદેશી મહેમાનો રોકાવાના છે તે હોટલોમાં એન્ટી-સેબોટેજ ચેકિંગ માટે દિલ્હી પોલીસના 100થી વધુ સ્નિફર ડોગ્સ પણ તહેનાત કરાયા હોવાનું જણાવાયું છે.

2019 બાદ જિનપિંગની પ્રથમ ભારત મુલાકાત

શી જિનપિંગની આ ભારત મુલાકાત અનેક રીતે મહત્ત્વની છે. વર્ષ 2019 બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ અને LAC પરના તણાવ બાદ બંને દેશોના સંબંધોમાં લાંબા સમય સુધી તણાવ રહ્યો હતો. હવે સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો વચ્ચે BRICS સમિટ દરમિયાન જિનપિંગની ભારત મુલાકાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પર ખાસ નજર છે.

આ પણ વાંચોઃ બ્રિક્સ સમિટ 2026: દિલ્હી પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, PM મોદી સાથે કરશે મુલાકાત
Back to top button