
Stricter Ban on Prescription Drug Ads: કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રિપ્શન દવાઓની જાહેરાતો પરના નિયંત્રણો વધુ કડક બનાવવાની દશામાં મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ્સ નિયમો, 1945 માં સુધારા માટેનો ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યો છે. આ પ્રસ્તાવિત સુધારા હેઠળ, શિડ્યુલ H, H1 અને X માં સમાવિષ્ટ ગંભીર અને નિયંત્રિત દવાઓની જાહેરાતો પરના પ્રતિબંધો માત્ર ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૂરતા સીમિત ન રાખતા, હવે તેને રિટેલર્સ, હોલસેલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સુધી લંબાવવાની યોજના છે.
ડ્રગ્સ રૂલ્સ, 1945 ના નિયમ 65 માં સુધારાની દરખાસ્ત
આરોગ્ય મંત્રાલયે 28 સપ્ટેમ્બર, 2026 ના રોજ ગેઝેટ નોટિફિકેશન GSR 861(E) દ્વારા આ ડ્રાફ્ટ સુધારાને સૂચિત કર્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) સાથેની વિચારણા બાદ તૈયાર કરાયેલા આ પ્રસ્તાવમાં ડ્રગ્સ રૂલ્સ, 1945 ના નિયમ 65 માં પેટા-નિયમ (22) ઉમેરવાની ભલામણ કરાઈ છે. આ જોગવાઈ અમલમાં આવતાં જ દવાઓ વેચવા, સ્ટોક કરવા, પ્રદર્શિત કરવા કે વિતરણ કરવા માટે લાઇસન્સ ધરાવતા તમામ વેપારીઓ માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વગર જાહેરાતો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે.
કઈ દવાઓ પર લાગુ થશે આ કડક નિયમો?
આ પ્રસ્તાવિત જોગવાઈઓ શિડ્યુલ H, H1 અને X માં સૂચિબદ્ધ દવાઓને આવરી લેશે. આ યાદીમાં એવી હાઈ-ડોઝ એન્ટીબાયોટિક્સ, સાયકોટ્રોપિક અસરો ધરાવતી દવાઓ અને અન્ય પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સનો સમાવેશ થાય છે જે માત્ર લાયકાત ધરાવતા તબીબની લેખિત સલાહ પર જ આપી શકાય છે. સરકારનો મુખ્ય હેતુ બજારમાં ચાલતા અનધિકૃત માર્કેટિંગને અટકાવવાનો અને યોગ્ય તબીબી દેખરેખ વગર સેલ્ફ-મેડિકેશનના કારણે ઊભા થતા આરોગ્ય વિષયક જોખમોને ઘટાડવાનો છે.
DTAB ની 93 મી બેઠકમાં લેવાયો હતો નિર્ણય
આ મધ્યવર્તી નિર્ણય પહેલાં, 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાયેલી ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની 93 મી બેઠકમાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં નોંધવામાં આવ્યું હતું કે હાલના નિયમો માત્ર ઉત્પાદક કંપનીઓને જ આવરી લે છે, પરંતુ વેચાણ અને વિતરણમાં જોડાયેલા લાઇસન્સધારકો તેનો લાભ ઉઠાવીને જાહેરાતો કરી દે છે. આ તફાવત અને ખામીને દૂર કરવા માટે સમગ્ર સપ્લાય ચેઇન પર કાનૂની દેખરેખ મજબૂત બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
30 દિવસમાં હિસ્સેદારો પાસેથી મંગાવાયા સૂચનો અને વાંધા
આરોગ્ય મંત્રાલયે જાહેર જનતા અને તમામ ફાર્મા હિસ્સેદારો પાસેથી આ ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો આવકાર્યા છે. ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસના સમયગાળાની અંદર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પોતાના સૂચનો સબમિટ કરી શકશે. કેન્દ્ર સરકાર મળેલા તમામ સૂચનો પર ગંભીરતાથી વિચારણા કર્યા બાદ જ આ સુધારાઓને આખરી આખરી પોલિસી તરીકે અમલમાં મુકશે.
આ પણ વાંચો: CJPના વિરોધ પહેલાં ગૃહ મંત્રાલય એલર્ટ, જંતર-મંતરની આસપાસના 4 કિમી વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ












