આવતીકાલથી દેશમાં લાગુ થશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે
Rule Change From 1st November: ઓક્ટોબર મહિનાનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1 નવેમ્બર 2026થી નવા મહિનાની શરૂઆત સાથે દેશભરમાં અનેક મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા, ઘરનું બજેટ, વાહનચાલકો, વેપારીઓ અને મોબાઇલ યુઝર્સ પર પડી શકે છે. LPG ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ટોલ પાસ, GSTના નિયમો, દારૂની ખરીદીમાં ડિજિટલ પેમેન્ટ અને SIM કાર્ડ સંબંધિત નિયમો સુધી અનેક ફેરફારો થવાના છે. આવો જાણીએ 1 નવેમ્બરથી કયા 5 મોટા બદલાવ જોવા મળશે.
1. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરતી હોય છે. આ વખતે પણ 1 નવેમ્બર 2026ના રોજ નવા ભાવ જાહેર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹62.50 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
હવે નવેમ્બર મહિનાની પહેલી તારીખે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં શું ફેરફાર થાય છે તેના પર સૌની નજર રહેશે. LPG ઉપરાંત હવાઈ ઇંધણ એટલે કે ATFના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
2. માત્ર ₹1,500માં મળશે વાર્ષિક ટોલ પાસ
વાહનચાલકો માટે પણ 1 નવેમ્બરથી મહત્વનો ફેરફાર થવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝાની આસપાસ રહેતા લોકો માટે ₹1,500નો વાર્ષિક ટોલ પાસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નિયમ હેઠળ ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા ખાનગી વાહનમાલિકો આ વાર્ષિક પાસનો લાભ લઈ શકશે.
આ ઉપરાંત ટ્રાફિક સંબંધિત અન્ય ફેરફારો પણ અમલમાં આવવાના છે.
- દિલ્હી: 1 નવેમ્બરથી અન્ય રાજ્યોમાં રજિસ્ટર્ડ જૂનાં નોન-BS6 વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગુ થવાની માહિતી છે. આ પ્રતિબંધ શિયાળાના એક્શન પ્લાન અંતર્ગત લાગુ કરવામાં આવશે.
- મુંબઈ-પુણે એક્સપ્રેસવે: નવા કનેક્ટિંગ લિંક પર માલવાહક વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ 1 નવેમ્બરથી અમલમાં આવવાનો છે.
3. દારૂ ખરીદવા માટે ₹1,000થી વધુની ખરીદી પર ડિજિટલ પેમેન્ટ ફરજિયાત
દારૂ ખરીદતા લોકો માટે પણ એક મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. તમિલનાડુમાં 1 નવેમ્બરથી દારૂની ખરીદી માટે પેમેન્ટના નિયમોમાં ફેરફાર થવાનો છે.
તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ₹1,000થી વધુ કિંમતની દારૂની બોટલની રિટેલ ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત રહેશે.
એટલે કે જો કોઈ ગ્રાહક ₹1,000થી વધુ કિંમતની દારૂની બોટલ ખરીદશે, તો તેણે રોકડને બદલે UPI, કાર્ડ અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવું પડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
4. GSTના નિયમોમાં ફેરફાર, નાના વેપારીઓને મળી શકે રાહત
1 નવેમ્બરથી GST સંબંધિત નિયમોમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતા છે. આ ફેરફાર ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે રાહતરૂપ બની શકે છે.
અહેવાલો અનુસાર, GST રિફંડની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને વેપારીઓ પર દસ્તાવેજોનું ભારણ ઘટાડવા માટે કેટલીક કેટેગરીમાં ઓટોમેટિક રિફંડ મંજૂરીની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત વાર્ષિક ₹5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા અને સીધા ગ્રાહકોને માલ અથવા સેવાઓ આપતા વેપારીઓ માટે નવી રિટર્ન વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે.
આ ફેરફારથી નાના વેપારીઓને GST સંબંધિત કામગીરીમાં સરળતા મળી શકે છે.
5. SIM કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, હવે કોલ કરનારનું નામ દેખાશે
મોબાઇલ યુઝર્સ માટે પણ 1 નવેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે. ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સિસ્ટમ લાગુ કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યાં છે.
આ સિસ્ટમ હેઠળ મોબાઇલ પર ઇનકમિંગ કોલ આવે ત્યારે કોલ કરનાર વ્યક્તિનું નામ સ્ક્રીન પર દેખાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
અત્યાર સુધી અજાણ્યા નંબર પરથી આવતા કોલની ઓળખ કરવા માટે લોકો Truecaller જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. પરંતુ CNAP સિસ્ટમ લાગુ થયા બાદ ટેલિકોમ કંપનીઓના નેટવર્ક દ્વારા જ કોલ કરનારનું નામ દર્શાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પગલાથી ફ્રોડ કોલ, સ્પામ કોલ અને અજાણ્યા નંબરથી થતી છેતરપિંડીને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
સામાન્ય લોકો માટે કેમ મહત્વપૂર્ણ છે આ ફેરફારો?
1 નવેમ્બર 2026થી થનારા આ પાંચ મોટા ફેરફારોની અસર અલગ-અલગ વર્ગના લોકો પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવ ઘરનું બજેટ નક્કી કરશે, ટોલ પાસથી વાહનચાલકોને રાહત મળી શકે છે, GSTના ફેરફારથી નાના વેપારીઓને ફાયદો થઈ શકે છે, જ્યારે CNAP સિસ્ટમથી મોબાઇલ યુઝર્સને અજાણ્યા કોલની ઓળખ કરવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો: પંચકૂલાની શાળામાં હચમચાવતી ઘટના! ધોરણ 3ના વિદ્યાર્થીએ KGની દિવ્યાંગ બાળકી પર પથ્થરથી હુમલો કર્યો












